ગુજરાત
News of Wednesday, 27th October 2021

ગ્રેડ પે આંદોલન: અમદાવાદના દાણીલીમડા પોલીસ લાઈનમાં મહિલાઓ અને બાળકો દ્વારા થાળી અને વેલણ લઈ પગાર વધારાની માંગ સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યાઃ બીજી બાજુ શાહિબાગની હેડક્વાટરમાં પણ વિરોધ જોવા મળ્યો

ગઇકાલે મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ પરિવારની મહિલાઓએ થાળી-વેલણ વગાડી હાર્દિક પંડ્યાના આંદોલનને ટેકો જાહેર કર્યો છે ત્યારે સુરતમાં પણ પિપલોદ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ મંગળવારે સાંજે ભેગી થઈ હતી અને થાળી-વેલણ ખખડાવી ગ્રેડ-પે ની માગ કરી હતી

અમદાવાદઃ ગ્રેડ પે મામલે પોલીસ દ્વારા છેલ્લા ચાર દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ આંદોલન દિવસે દિવસે ઉગ્ર બનતું દેખાઈ રહ્યું છે. ગ્રેડ પે મામલે અમદાવાદ પોલીસ કર્મીઓના પરિવારમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈ કાલે નવરંગપુરા પોલીસ સ્ટેશનની મહિલા અન્ન અને જળનો ત્યાંગ કરી આંદોલન પર બેસી હતી અને આજે દાણીલીમડા પોલીસ લાઈનમાં મહિલાઓ અને બાળકો દ્વારા થાળી અને વેલણ લઈ પગાર વધારાની માંગ સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. તો બીજી બાજુ શાહિબાગની હેડક્વાટરમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં ગ્રેડ પે મામલે પોલીસ કર્મીઓના પરિવાર પણ હવે રસ્તાઓ પર આંદોલન માટે ઉતરી આવ્યા છે. ગતરોજ મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ પરિવારની મહિલાઓએ થાળી-વેલણ વગાડી હાર્દિક પંડ્યાના આંદોલનને ટેકો જાહેર કર્યો છે. ત્યારે સુરતમાં પણ પિપલોદ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ મંગળવારે સાંજે ભેગી થઈ હતી અને થાળી-વેલણ ખખડાવી ગ્રેડ-પે ની માગ કરી હતી.

પોલીસ પરિવારની મહિલાઓ પૈકી વીણાબેન રાવલ અને ભારતીબેને જણાવ્યું કે, દરેક જિલ્લાના પોલીસ પરિવારોની મહિલાઓને બહાર નીકળવાની અપીલ કરીએ છીએ. માગણીનું નિરાકરણ નહીં આવે તો હવે બાળકો સાથે બહાર નીકળીશું.

જો કે, સોમવારે મોડીરાત સુધી આંદોલન ચાલ્યું હતું. જ્યારે બીજા દિવસે પણ પોલીસ આંદોલન એલસીબી કચેરીથી શહેરના સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યુ હતુ. મંગળવારે મોટી સંખ્યામા પોલીસ પરિવારની મહિલાઓ સત્યાગ્રહ છાવણી પહોંચી હતી અને ધરણા શરૂ કર્યા હતાં. મોડી રાતે પણ સત્યાગ્રહ છાવણી ખાતે મહિલાઓ જોવા મળી હતી.

(5:36 pm IST)