ગુજરાત
News of Wednesday, 27th October 2021

૧૦૮એ ૧૪ વર્ષમાં ૭૧.૭૫ લાખ લોકોને આરોગ્યલક્ષી સેવા આપી

રાજયભરમાંથી અંદાજે સવા કરોડથી વધુ ઇમરજન્સી કોલ હેન્ડલ કર્યા : ૪૩.૧૯ લાખ મહિલાઓના પ્રેગનન્સી કેસ, ૧૬ લાખ અકસ્માત સંબંધી કેસમાં ત્વરીત સારવાર આપી

અમદાવાદ : ગુજરાતમાં ૨૯ મી ઓગષ્ટ ૨૦૦૭થી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુુલન્સ સેવાનો પ્રારંભ કરાયો હતો. અત્યાર સુધીમાં ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા કુલ ૭૧.૭૫ લાખથી વધુ લોકોને ઇમરજન્સી આરોગ્યલક્ષી સારવાર પહોચાડવામાં આવી છે. રાજયભરમાંથી અંદાજે ૧.૨૭ કરોડથી વધુ ઇમરજન્સી કોલ હેન્ડલ કરાયા છે.

સપ્ટેમ્બર ૨૦૨૧ની સ્થિતિએ ગુજરાતમાં ૧૦૮ ઇમરજન્સી દ્વારા મહિલાઓ માટે પ્રેગનન્સી કેસમાં ૪૩.૧૯ લાખથી વધુ રોડ અકસ્માત સંબંધી ૧૫.૮૪ લાખથી વધુ તેમજ ૧૧.૫૭ લાખથી વધુ લોકોને તાત્કાલીક સારવાર આપીને જીવ બચાવવામાં આવ્યા છે. ૧૦૮ના ઇમરજન્સી મેડીકલ ટેકનિશિયન્સ દ્વારા ૭૨,૬૧૭ મહિલાઓની એમ્બ્યુલન્સ વાનમાં તેમજ ૩૯,૨૧૧ મહિલાઓની સ્થળ ઉપર સલામત ડિલીવરી કરાવીને ઉતમ સેવા આપવાનો પ્રયાસ કર્યો છે.

આ સેવાના ચીફ ઓપરેટીંગ ઓફીસરે જણાવ્યુ છે કે, ૧૦૮ મેડીકલ ટીમે કોરોના મહામારીમા પણ દિવસ રાત જોયા વિના પોતાના જીવના જોખમે હજારો લોકોને નજીકની હોસ્પિટલમાં સમયસર પહોચાડીને માનવસેવાનુ શ્રેષ્ઠ કાર્ય કર્યુ છે.

આ ઉપરાંત રાજયભરની ૧૦૮ની ટીમ દ્વારા અકસ્માતના કિસ્સામાં ભોગ બનેલા લોકોના સગાઓને તેમના સ્વજનોની લાખો રૂપિયાની રોકડ સોના ચાંદીના દાગીના સહિતની મોંઘી વસ્તુઓ પરત કરીને પ્રમાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ રજૂ કર્યુ છે.

(4:07 pm IST)