ગુજરાત
News of Wednesday, 27th October 2021

સમુહ લગ્નમાં લગ્ન કર્યા અને બીજા જ દિવસે પતિએ કહ્યું 'તને તો કામવાળી તરીકે લાવ્યો છું'

લગ્ન જીવનના સોનેરી સપના જોતી પત્નીને લગ્નના બીજા જ દિવસે જોરદાર ઝટકો લાગ્યો : લગ્ન બાદ સાત દિવસ હનીમૂન પર લઇ ગયા બાદ પતિએ પત્ની પાસેથી માગ્યા ખર્ચ પેટેના રૂપિયા : પરિણીતાએ આરોપ મુકયો કે રૂપિયાની માગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હતો : પતિ તેમજ સાસુ, સસરા તરફથી મહિલા પાસે રૂપિયા ૫ લાખની માગણી કરવામાં આવતા ફરિયાદ નોંધાઇ

અમદાવાદ તા. ૨૭ : દહેગામ તાલુકાનાં બહિયલ ગામમાં રહેતી અને નરોડા ખાતે પરણાવેલી મહિલાને તેના સાસરિયાઓ દ્વારા તને કામવાળી તરીકે લાવ્યા છે તેવું કહી ઘર કંકાસ કરી ગાડીના હપ્તા ભરવાની આડમાં દહેજની માંગ કરી શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપ સાથે મહિલાએ તેના પતિ અને સાસુ-સસરા વિરુદ્ઘ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બહિયલ ગામમાં રહેતી પૂજાબેન અશ્વિનભાઈ પટેલના લગ્ન અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા કૃણાલ દિવ્યકાંત ભાઈ પટેલ સાથે ગત તારીખ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ થયા હતા. લગ્ન બાદ બીજા દિવસે પૂજાબેનને તેના પતિએ અમે કામવાળી તરીકે લાવ્યા છીએ. હવે તારે કામવાળી તરીકે આ ઘરમાં રહેવું પડશે તેમ જણાવ્યું હતું.

ગત તારીખ ૨૯મી, ફેબ્રુઆરીના રોજ હનીમૂન માટે સીમલા મનાલી ગયા તે સમયે પણ કૃણાલે મેણાં ટોણાં મારી હું ઘરના સભ્યોના કહેવાથી હનીમૂન પર લાવ્યો છું. બાકી મારી મરજી કયાંય લઈ જવા માગતો નથી અને આ ફરવાનો ખર્ચ પિયરમાંથી લાવવાનું જણાવી માનસિક હેરાન કરતા હતા. આથી પૂજાબેન તેમના પિયર આવી ગયા હતા પરંતુ તેમનો ઘર સંસાર બગડે નહીં તે માટે મહિલાના પિયર પક્ષના લોકો સાસરીમાં મૂકી ગયા હતા. ત્યારબાદ પણ સાસુ કોકીલાબેન દિવ્યકાંતભાઈ પટેલ અને સસરા દિવ્યકાંતભાઈ અરવિંદભાઈ પટેલ તેમજ પતિ કુણાલ દ્વારા ગાડીનાં હપ્તા ભરવા પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લઇ આવવાની માગણી કરી હતી.આ ઉપરાંત મહિલાને મારી નાંખવાની ધમકી આપી અવાર નવાર શારિરીક માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ દહેગામ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ત્રણેય વિરૂદ્ઘ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.એક તરફ સમાજ અને સરકાર તરફથી સમાજમાં જે દહેજપ્રથા છે તેને નાબૂદ કરવાની મોટા ઉપાડે વાતો થાય છે ત્યારે બીજી તરફ સમાજમાં હજુ આવા બનાવો બનતા રહે છે.

(3:04 pm IST)