ગુજરાત
News of Wednesday, 27th October 2021

તિલકવાડાની ગોધામ ચેક પોસ્ટ પાસે હોમગાર્ડ ઉપર પીક અપ ગાડી ચડાવી દઇ અકસ્માત કરતા ચકચાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તિલકવાડા તાલુકાની સરહદ પાસે ગોધામ ગામ આવેલું છે જ્યાં ચેક પોસ્ટ બનાવવામાં આવેલી છે આ ચેકપોસ્ટ પર ચોવીસ કલાક તિલકવાડા પોલીસના કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે આ ચેકપોસ્ટ પર અવાર નવાર અકસ્માત સર્જાય છે જેમાં ગત રાત્રીના સમયગાળા દરમિયાન એક પિકઅપ ગાડીના ચાલકે ગોધામ ચેક પોસ્ટ પાસે ફરજ બજાવી રહેલા હોમગાર્ડ કર્મચારી ઉપર પીકઅપ ગાડી ચડાવી દઈ સ્થળ ઉપરથી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
 મળતી માહિતી અનુસાર ગત રાત્રીના સમયગાળા દરમિયાન તિલકવાડાના ગોધામ ચેકપોસ્ટ પાસે ફરજ બજાવી રહેલા હોમગાર્ડ કર્મચારી લક્ષ્મણભાઈ બાબુભાઈ તડવીનાઓ અન્ય સ્ટાફ સાથે ગૌધામ ચેકપોસ્ટ પાસે ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન નસવાડી તરફથી શાકભાજી ભરેલી MP 11 G 3251 નંબરની પિકઅપ ગાડી ગોધામ ચેકપોસ્ટ પાસે આવતા ફરજ બજાવી રહેલા લક્ષ્મણભાઈ તડવી ઉપર ગાડી ચડાવી દેતા ગાડી રોડની સાઇડમાં પલટી ખાઈ ગઈ હતી આ અકસ્માતમાં ગાડીનો ચાલક અકસ્માત કરી ઘટના સ્થળ ઉપરથી ભાગી ગયો હતો જ્યારે ગાડીમાં સવાર બે શખ્સ ઝડપાઇ ગયા હતા આ અકસ્માતમાં હોમગાર્ડ કર્મચારી લક્ષ્મણભાઈ તડવીને ગંભીર ઇજાઓ થતાં તેમને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં ટૂંકી સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા એસ.એસ. જી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે
ઘટનાની જાણ તિલકવાડા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ P.S.I એમ બી વસાવા થતા તેઓ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પિક અપ ગાડીમાં સવાર બે શખ્શોને ઝડપી ભાગી ગયેલા પિકઅપ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

(12:10 pm IST)