ગુજરાત
News of Tuesday, 27th September 2022

ગાંધીનગર તાલુકાના રૂપાલ ખાતે નવરાત્રીના બીજા નોરતે વિશ્વ પ્રસિદ્ધ વરદાયિની માતાજીના મંદિરે શીશ નમાવી, નવનિર્મિત સ્વર્ણજડિત ગર્ભગૃહ અને મુખ્ય દ્વાર લોકાર્થે ખુલ્લા મૂકતા અમિતભાઇ શાહ

બીજા નોરતે માતા બ્રહ્મચારીણીના આરાધનાના દિવસે માં વરદાયિનીના દર્શન અને સ્વર્ણ જડીત ગર્ભગૃહ દ્વાર ખુલ્લા મુકવાનો અવસર મળવા બદલ ધન્યતાની લાગણી વ્યક્ત કરતા અમિતભાઇ શાહ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર તાલુકાના રૂપાલ ખાતે નવરાત્રીના બીજા નોરતે વિશ્વ પ્રસિદ્ધ વરદાયિની માતાજીના મંદિરે શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા.

    શ્રી શાહે વરદાયિની માતાજીના મંદિરમાં નવનિર્મિત સ્વર્ણજડિત ગર્ભગૃહ અને મુખ્ય દ્વાર પણ લોકાર્થે ખુલ્લા મુક્યા હતા. આ સ્વર્ણ જડિત ગર્ભગૃહ માટે રૂપાલના વતની  બળદેવભાઇ જોઈતારામ પટેલે સોનાનું દાન કર્યું હતું.અત્રે સર્વવિદિત છે કે રૂપાલ ખાતેના વરદાયિની માતાજી મંદિર સાથે લાખો કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. આજે નવરાત્રિના પાવન પર્વના બીજા નોરતે માતા બ્રહ્મચારીણીના આરાધનાના દિવસે માં વરદાયિનીના દર્શન અને સ્વર્ણ જડીત ગર્ભગૃહ દ્વાર ખુલ્લા મુકવાનો અવસર મળવા બદલ શ્રી શાહે ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી.
    અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષના જુલાઈ માસમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અમિતભાઈ શાહના પ્રયાસોથી રૂપાલ સ્થિત વરદાયની માતાના મંદિરનો કેન્દ્ર સરકારની "પ્રસાદમ' યોજનામાં સમાવેશ કરાયો હતો. ભક્તિ અને આસ્થાના આ કેન્દ્રનું ભારતના નકશા પર પોતાનું આગવું સ્થાન સુનિશ્ચિત થાય તેવા સંનિષ્ઠ સંયુક્ત પ્રયાસો કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકાર દ્વારા થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આ પ્રયાસો દેશની સંસ્કૃતિ, વારસો અને પરંપરાના જતન તથા સંવર્ધન માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
    આ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના પ્રભારી ડૉ. હર્ષદભાઈ પટેલ, જિલ્લા ભાજપા અધ્યક્ષ અનિલભાઈ પટેલ, જિલ્લાના પ્રવાસી પ્રભારી સર્વે રાજેશભાઈ ચૌધરી, તારાસિંગજી જૈન, જિલ્લા તેમજ તાલુકા ભાજપના પદાધિકારીઓ, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, સ્થાનિક પંચાયતના હોદેદારો, કાર્યકર્તાઓ અને ભાવિક ભકતો ઉપસ્થિત રહ્યા હતા

(11:58 pm IST)