ગુજરાત
News of Monday, 27th September 2021

કાલે શિક્ષણ બોર્ડની સાત બેઠકોની ચૂંટણીની મતગણત્રીઃ સમર્થકોમાં ઉત્તેજના

રાજકોટ તા. ર૭: શિક્ષણ બોર્ડ-ગાંધીનગરની યોજાયેલી ૭ બેઠકની ચૂંટણીની મત ગણતરી આવતીકાલે તા. ર૮ સપ્ટેમ્બરને મંગળવારના શ્રી વરદાયીની હાઇસ્કૂલ, રૂપાલ, તા./જિ. ગાંધીનગર ખાતે થનાર છે.

૯ બેઠકો પૈકી ૭ બેઠકોની ચૂંટણી યોજાયેલ હતી. જેમાં સંચાલક મંડળની બેઠક ઉપર સૌથી વધુ ૬ ઉમેદવારો હતા. જેમાં પરાકાષ્ઠાનો ચૂંટણી જંગ ખેલાયો બેઠક ઉપર ''અખિલ ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ''ના સત્તાવાર ઉમેદવાર અને મહામંડળના ગુજરાત રાજયના પ્રમુખ ધંધુકાના નારણ પટેલ અને ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના સત્તાવાર ઉમેદવાર સુરતના ડો. દિપકભાઇ રાજયગુરૂ તથા ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ અને ગુજરાત રાજય સ્વૈચ્છિક સંઘ એમ બે મહામંડળની ટિકિટ ઉપર સત્તાવાર ઉમેદવાર સુરતના જગદીશભાઇ ચાવડા સામે ચાર ટર્મથી ચૂંટાતા સૌરાષ્ટ્રના ડો. પ્રિયવદન કોરાટ સ્વતંત્ર રીતે ચૂંટણી લડયા હતા. જેમાં તીવ્ર રસાકસી સાથે ચૂંટણી યોજાઇ હતી. સંચાલક મંડળમાં માજી અને વર્તમાન ધારાસભ્યો, સંસદ સભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખો, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, ઉદ્યોગપતિઓ અને જ્ઞાતિ મંડળોના પ્રમુખો એમ વી.આઇ.પી. સંચાલક મતદારોની વગદાર બેઠક ગણાય છે.

આચાર્યના સતાવાર ઉમેદવાર મહાસાગરના જે. પી. પટેલ સામે અન્ય બે ઉમેદવાર, માધ્યમિક શિક્ષકમાં સતાવાર ઉમેદવાર હસમુખ પટેલ સામે એક ઉમેદવાર જયારે ઉચ્ચ માધ્યમિક શિક્ષકમાં સત્તાવાર ઉમેદવાર છોટા ઉદેપુરના મુકેશ પટેલ સામે બે ઉમેદવાર જયારે વહીવટી કર્મચારીના સતાવાર ઉમેદવાર પાટણના મુકેશ પટેલ સામે એક ઉમેદવાર વચ્ચે ચૂંટણી સ્પર્ધા થઇ હતી. જયારે વાલી મંડળમાં ચાર ઉમેદવારો પૈકી અમદાવાદના સ્વતંત્ર ઉમેદવાર ધીરેન વ્યાસ સામે ગુજરાત રાજય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના સત્તાવાર ઉમેદવાર મોરબીના નિલેશ કુંડારિયા વચ્ચે તીવ્ર સ્પર્ધા થઇ હતી. ધીરેન વ્યાસને શૈક્ષણિક સંઘોએ ટેકો આપેલ હતો.

૯ બેઠકો પૈકી બી.એડ્. પ્રિન્સિપાલ અને સરકારી શિક્ષકની બે બેઠકો બિન હરીફ થઇ હતી. જેમાં અન્ય ઉમેદવારોના ટેકનિકલ કારણોસર ઉમેદવારી પત્રો રદ થતાં બિન હરીફ થઇ છે. આ ઉમેદવારી ફોર્મ રદ થતાં જે તે ઉમેદવાર નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ગયેલ હોય. જો ઉમેદવારીપત્રો માન્ય ઠરે તો આવનાર દિવસોમાં તે બે બેઠકોની ચૂંટણી યોજાશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ દર ત્રણ વર્ષે ર૬ બેઠકોની ચૂંટણી યોજાતી હતી. જેમાં બેઠકો ઘટીને ૯ થતાં પ્રથમ વખત આખુ ગુજરાત મતવિસ્તાર હોય તેવી ચૂંટણી યોજાઇ હતી. જેમાં પ્રથમ વખત સરકાર પ્રેરિત રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે ઉમેદવારો ઊભા રાખતા ચૂંટણી જંગ પરાકાષ્ઠાનો અને ખરાખરીનો ખેલાયો હતો.

(3:39 pm IST)