ગુજરાત
News of Sunday, 27th September 2020

કવિડ -19 નાં નિયમનો ભંગ કરતા અમદાવાદ ના યુવાનો : ફરજીયાત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા મ.ન.પા ની તાકીદ

અમદાવાદ : શહેરના યુવાનોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવા મ્યુ.કોર્પોરેશન તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ અંગે મ્યુ કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યાં મુજબ

નોવેલ કોરોના વાયરસ સામેની લડાઈમાં તંત્ર દ્વારા બહુઆયામી વિવિધ ઘનિષ્ઠ પગલાઓ ભરવામાં આવી રહેલ છે. કોરોના સામેની આ જંગમાં માસ્ક પહેરવો અને સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવા માટે પ્રધાનમંત્રીશ્રીએ અને  મુખ્યમંત્રીશ્રીએ વારંવાર ભાર મુકેલ છે. પરંતુ, અનુભવે જાણવા મળ્યા મુજબ, કેટલાંક લોકો જાહેરમાં માસ્ક પહેરવાનું ટાળે છે અથવા ખોટી રીતે માસ્ક પહેરે છે તેમજ સોશિયલ ડીસ્ટન્સીંગ પણ જાળવતાં નહીં હોવાનું ધ્યાન ઉપર આવેલ છે.

તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા. 25 સપ્ટેમ્બર ના રોજ કરેલ સઘન કામગીરી દરમ્યાન મળેલ ફોટો-વિડીયો જોતાં સ્પષ્ટ જણાય છે કે, યુવા વર્ગ માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનાં નિયમોનો ભંગ કરી રહ્યું છે. અમદાવાદ શહેરનાં જુદા- જુદા વિસ્તારો જેમાં, ખાસ કરીને સિધુ ભવન રોડ, પ્રહલાદનગર રોડ, આઈ.આઈ.એમ.રોડ, એસ.જી. હાઈવે અને રીંગ રોડ ઉપર સાંજે યુવાનોના મોટા ટોળા દેખાય છે. માસ્કવગર અને સોશિયલ ડીસ્ટન્સીંગનાં નિયમોનું ભંગ કરતાં આ તમામ યુવાનો જો સંક્રમિત થયા હશે તો મોટાભાગે તેઓ એસિમ્પ્ટોમેટીક હોવાથી તેઓને કોઈ લક્ષણો જોવા મળશે નહીં.

         પરંતુ, તેઓ ઘરે જઈને ઘરમાં રહેતા તેમના માતાપિતા, કુટુંબીજનો અને બીજા વયોવૃધ્ધ લોકોને સંક્રમિત કરવાનું જોખમ વધારી કોરોનાનું સંક્રમણ વધારી શકે છે. આથી, તેઓએ તેમનાં માતાપિતા, કુટુંબીજનો અને બીજા વયોવૃધ્ધ લોકોની સલામતી ખાતર ફરજીયાત માસ્ક પહેરવો અને મોટા ગ્રુપમાં સોશિયલ ડીસ્ટન્સીંગનાં નિયમોનું પાલન કરવું જોઈએ. હાલમાં જ્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા વધવા પામેલ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે શક્ય તે તમામ

પગલાઓ સતત લઈ રહેલ છે. ઉક્ત મુજબ જોવા મળ્યાં બાદ અમ્યુ.કો. હજુ વધુ આકરાં અને ઘનિષ્ઠ પગલાઓ લેશે. કોરોના સામેની આ જંગમાં કોરોનાનાં સંક્રમણને વધતું અટકાવવા માટે યુવાવર્ગનો સહકાર પણ અતિઆવશ્યક છે. આથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવા તમામ લોકોને અપીલ કરે છે કે તેઓ ફરજીયાત માસ્ક પહેરે અને મોટા ગ્રુપમાં સોશિયલ ડીસ્ટન્સીંગનાં નિયમોનું પાલન કરે.

(10:25 pm IST)