ગુજરાત
News of Sunday, 27th September 2020

રાજપીપળા સિવિલ હોસ્પિટલના ગાયનેક તબીબે પ્રસુતિના ગંભીર કેસને સફળતાપૂર્વક પાર પાડ્યો

રાત્રે લગભગ એક વાગ્યાના સુમારે અંતરીયાળ ગામડામાથી આવેલ સગર્ભાની સ્થિતિ ગંભીર હોવા છતાં વડોદરા રીફર કરવાને બદલે પોતેજ હેંડલ કરી લેવાની સમયસુચકતા વાપરી બે જીવ બચાવી લીધાં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સિવિલ હોસ્પિટલમા ગત તા.23/09/2020ના રોજ નર્મદા જીલ્લાના અંતરીયાળ વિસ્તારમાથી એક ગર્ભવતી મહીલાને ગંભીર સ્થિતિમા લાવવામા આવી હતી, આ સગર્ભાની પરિસ્થિતિ જોતાં બાળક અને માતા બન્નેના જીવ જોખમમાં મુકાયેલા જણાયા હતાં. સામાન્ય રીતે આવા દર્દીને વધુ સારવાર માટે વડોદરા રીફર કરી દેવાતા હોય છે. પરંતુ ફરજ ઉપરના તબીબ ડો.હર્ષિલ અને તેમની ટીમએ સમય સુચકતા વાપરી સગર્ભાની સફળ ડીલીવરી કરાવી માતા અને બાળક બંન્ને સુરક્ષીત કરી લીધાં હતાં, જોકે નવજાત બાળકને વધુ મેડીકલ સપોર્ટની જરૂર જણાતા વડોદરા રીફર કરાયુ હતું, અને ત્યાં બાળક સ્વસ્થ હોવાનુ જાણવા મળ્યું છે, આમ તો રાજપીપળા સિવિલ હોસ્પિટલ અનેકવાર લાલીયાવાડી ના કારણે  વિવાદો મા રહી હોય છતાં હાલ આ ગાયનેક તબીબની એક ઉજળી અને પ્રશંસાપાત્ર કામગીરી સામે આવી છે જે બિરદાવવા લાયક છે.

(6:36 pm IST)