ગુજરાત
News of Friday, 27th September 2019

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જ્યંતિ પર શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું કરાયેલું આયોજન

૨૫મી ઓક્ટોબર સુધી ફિલ્મ મોકલવાની રહેશે : પ્રથમ ઇનામ બે લાખ અને દ્વિતિય ઇનામ એક લાખ હશે દરેક કેટેગરીમાં ૫૦૦૦૦ના ત્રણ જ્યુરી પુરસ્કાર રહેશે

અમદાવાદ,તા.૨૭ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી દેશભરમાં  થઇ રહી છે ત્યારે મહાત્મા ગાંધીજીના  આદર્શો, વિચારોને મૂર્તિમંત કરવા માટે રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા મહાત્મા ગાંધીજી વિષયક શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરાયું છે. માહિતી નિયામકની કચેરી દ્વારા યોજનાર આ શોર્ટ ફિલ્મની અવધિ લઘુતમ ૧ મિનિટ અને મહત્તમ ર મિનિટની જ રાખવામાં આવી છે. રસ ધરાવતા ફિલ્મ સર્જકોએ પોતાની ફિલ્મ તા.૨૫/૧૦/૨૦૧૯ સુધીમાં માહિતી નિયામકની કચેરી, ફિલ્મ પ્રોડકશન શાખા ને મોકલી આપવાની રહેશે. આ માટેના નિયત ફોર્મ બાંહેધરી પત્રક અને માર્ગદર્શિકા પર ઉપલબ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શોર્ટ ફિલ્મ સ્પર્ધા કુલ ચાર કેટેગરીમાં (૧) પ્રોફેશનલ ફિલ્મ મેકર્સ (૨) અમેચ્યોર ફિલ્મ મેકર્સ (૩) સ્કૂલ-કોલેજ સ્ટુડન્ટ (૪) માહિતી ખાતાના પેનલ પરના પ્રોડ્યુસર ભાગ લઇ શકશે. તેમજ વિજેતાને પ્રથમ ક્રમે ૨,૦૦,૦૦૦/- દ્વિતીય ક્રમે ૧,૦૦,૦૦૦/ તૃતીય ક્રમે ૫૦,૦૦૦/ અને દરેક કેટેગરીમાં સ્પેશિયલ જ્યુરી એવોર્ડના ૫૦,૦૦૦/-ના ત્રણ પુરસ્કાર આપવામાં આવશે.

દરમિયાન વર્ષ ૧૯૨૫થી મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ અને ગુજરાત વિધાનસભા ભવનનું નામ જેના ઉપરથી અપાયું છે એવા વિઠ્ઠલભાઈ ઝવેરભાઇ પટેલની ૧૪૭મી જન્મજયંતિ નિમિતે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોર અને ધારાસભ્ય રાઘવ પટેલ દ્વારા વિધાનસભા પટાંગણમાં આવેલી તેમની પ્રતિમા સમક્ષ અને પોડિયમખાતે તેમના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના સચિવ ડીએમ પટેલ, ઉચ્ચ અધિકારીઓ/કર્મચારીઓ સહિત વિદ્યાર્થીઓ-શિક્ષકોએ ઉપસ્થિત રહીને તેમના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરીને તેમના જીવનના આઝાદીકાળ સમયના પ્રેરણાદાયી સંસ્મરણો યાદ કર્યા હતા.

(9:32 pm IST)