ગુજરાત
News of Friday, 27th September 2019

રાજ્યમાં સિઝનનો ૧૩૦ ટકા વરસાદ થયો : કચ્છમાં ૧૪૮

૧૦૨ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે : દક્ષિણ ગુજરાતમાં સિઝનનો ૧૪૦.૫૦ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૨૦.૮૫ તેમજ સૌરાષ્ટ્રમાં ૧૨૯.૬૨ ટકા

અમદાવાદ, તા.૨૭  : રાજ્યમાં સતત ૪થા મહિને પણ ચોમાસાની જમાવટ ચાલુ જ છે. નવરાત્રિને આડે હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે તેમછતાં મેઘરાજા તેમની સાર્વત્રિક મહેર રાજયભરમાં વરસાવી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન રાજ્યના ૫૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. જેમાં ધાંગધ્રા તાલુકામાં ૧૧૦ મી.મી. એટલે કે સવા ચાર ઈંચ જેટલો અને કોટડા-સાંગાણીમાં ૯૮ મી.મી. એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ સાથે રાજ્યમાં ચાલુ સીઝનનો સરેરાશ વરસાદ ૧૩૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૪૮.૧૦ ટકા, જ્યારે ઉત્તર ગુજરાતમાં ૯૯.૪૦ ટકા, પૂર્વ-મધ્ય ગજરાતમાં ૧૨૦.૮૫ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૨૯.૬૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૪૦.૫૦ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે. સારા વરસાદના કારણે, રાજ્યના ૨૦૪ જળાશયોમાંથી ૧૦૨ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ વાલોડ તાલુકામાં ૮૩ મી.મી., મહુવામાં ૮૧ મી.મી., લખતરમાં ૭૪ મી.મી. અને તલાલામાં ૭૨ મી.મી. મળી કુલ ચાર તાલકાઓમાં ત્રણ ઇંચ જેટલો જ્યારે મહેમદાવાદ, માંડવી, લોધિકા, વઢવાણ, હળવદ, ભાણવડ, ઉમરેઠ, ઉના, સૂત્રાપાડા, ભેંસાણ, કેશોદ, અમદાવાદ શહેર, મોરબી, ખંભાળીયા અને માંગરોળ મળી કુલ ૧૫ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય ૩૬ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે.

           રાજ્યમાં થયેલા વરસાદને પરિણામે કુલ ૨૦૪ જળાશયોમાં ૯૧.૩૬ ટકા જેટલો જળ સંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૬૧.૫૪ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૮.૧૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૭.૬૯ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૫.૫૭ ટકા, સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૮૭.૩૪ ટકા જેટલો જળ સંગ્રહ થયો છે. રાજ્યના ૨૦૪ જળાશયોમાં ૫,૦૮,૩૦૯.૨૮ એમ.સી.એફ.ટી.(મિલિયન ક્યુબિક ફિટ) જળ સંગ્રહ છે જે કુલ સંગ્રહ શક્તિના ૯૧.૩૧ ટકા જેટલો છે.

     સરદાર સરોવર જળાશયમાં ૩,૨૯,૪૧૬.૯૧ એમ.સી.એફ.ટી.પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના ૯૮.૬૦ ટકા જેટલો થાય છે. રાજ્યના ૨૦૪ જળાશયોમાંથી ૧૦૨ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. ૬૧ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા વચ્ચે, ૧૧ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે, ૧૩ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે જ્યારે ૧૭ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં ૨,૨૯,૮૯૫ કયુસેક પાણીની આવક સામે ૧,૭૧,૪૩૮ કયુસેક પાણીની જાવક, ઉકાઇ ડેમમાં ૧,૦૬,૬૩૧ કયુસેક પાણીની આવક સામે ૧,૨૩,૦૯૨ કયુસેક પાણીની જાવક, કડાણા ડેમમાં ૨૯,૦૯૪ કયુસેક પાણીની આવક સામે ૨૭,૮૯૪ કયુસેક પાણીની જાવક, વણાકબોરી ડેમમાં ૨૮,૬૩૦ કયુસેક પાણીની આવક સામે ૨૬,૦૮૦ કયુસેક પાણીની જાવક, પાનમ ડેમમાં ૧૩,૫૪૦ કયુસેક પાણીની આવક સામે ૧૪,૧૭૦ કયુસેક પાણીની જાવક છે. આમ, રાજયના મોટાભાગના જળાશયોમાં સાર્વત્રિક વરસાદને લઇ નવા નીરની બહુ નોંધનીય આવક થઇ છે.

(8:01 pm IST)