ગુજરાત
News of Friday, 27th September 2019

દોઢ લાખની લાંચના આરોપી રેલ્વેના ઉચ્ચ અધિકારી ભાગેડુ જાહેર

માસીયાઈ ભાઈ મારફતે લાંચ લીધા બાદ કાનૂની જંગમાં એસીબી વડા કેશવકુમાર ટીમે પરાસ્ત કરતા સિનીયર એન્જીનીયર સોનુકુમાર નાસી છૂટેલઃ સીઆરપીસી કલમ ૭૦ મુજબનું વોરંટ કાઢી ભારે શોધખોળ

રાજકોટ, તા. ૨૭ :. વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ ડિવીઝનના આર.એસ.ડબલ્યુ. વિભાગમાં સિનીયર સેકશન એન્જીનીયર તરીકે ફરજ બજાવતા સોનુકુમાર મોર્ય રહે. મહેસાણા (મૂળ રહે. ગોરખપુર-ઉત્તર પ્રદેશ) દ્વારા રેલ્વેના અંડરબ્રીજની કામગીરી પૂર્ણ થતા ફાઈનલ પેમેન્ટ માટે ગત તા. ૨૯-૭ ના રોજ પોતાના માસીયાઈ ભાઈ ઉત્તમ મારફતે રૂ. દોઢ લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા.

ઉકત ઘટના બાદ એસીબી પી.આઈ. આર.એન. પટેલે લાંચની રકમ પંચો રૂબરૂ રીકવર કરી આરોપીના માસીયાઈ ભાઈની ધરપકડ કરેલ. ત્યાર બાદ પોલીસ ઈન્સ્પેકટર શ્રી પટેલે આરોપી સોનુકુમારના ઘરે જઈ તેને પકડવા કોશીષ કરતા આરોપી સોનુકુમાર નાસી છૂટયો હતો.

ત્યારબાદ સોનુકુમારે મહેસાણા જિલ્લા સેસન્સ જજ સમક્ષ આગોતરા જામીન મેળવવા જામીન અરજી દાખલ કરેલી. જે અરજી જિલ્લા સેસન્સ અદાલતે તા. ૧૩-૮ના નામંજુર કરી હતી.

ઉકત ગુન્હાની તપાસ ચલાવતા એસીબી પીઆઈ સી.ડી. વણઝારાએ આરોપીના ઘરની વારંવાર મુલાકાત લઈ અને બાતમીદારો મારફત તપાસ કરાવવા છતા ધરપકડ ટાળવા આરોપી આ જ દિવસ સુધી નાસતા ફરતા હોવાથી એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શન હેઠળ અને તેઓના આદેશ અનુસાર આરોપી સોનુકુમારની સત્વરે ધરપકડ કરવા તથા બહોળી પ્રસિદ્ધિ કરવા માટે સીઆરપીસી કલમ ૭૦ મુજબનુ વોરંટ મેળવી આરોપીને ભાગેડુ જાહેર કર્યા છે.

(12:35 pm IST)