ગુજરાત
News of Friday, 27th September 2019

ગુજરાતમાં ૩૦ લાખ ટન મગફળીના પાકનો અંદાજઃ સિંગતેલ સસ્તુ થવાની પુરી શકયતા

ગયા વર્ષે ૧૫.૯૫ લાખ ટન પાક થયો હતો

અમદાવાદ, તા. ૨૭ :. ગુજરાતમાં ચાલુ વર્ષે સારા વરસાદને પગલે મગફળીના ઉત્પાદનમાં ૧૦૦ ટકાનો વધારો થઈને ગત વર્ષની તુલનાએ બમણું ઉત્પાદન થવાનો અંદાજ છે. જો કે સિંગતેલની બજારમાં ભાવ કેટલા ઘટશે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે.

મુંબઈ ખાતે સોલવન્ટ એકસટ્રેકટર્સ એસોસિએશન (એસઈએ) ઓફ ઈન્ડીયાની વાર્ષિક જનરલ મિટીંગમાં એનાલિસ્ટોએ ગુજરાતના મગફળીના પાકનો અંદાજ ૩૦ લાખ ટનનો મુકયો છે, જે ગત વર્ષે ૧૫.૯૫ લાખ ટન થયું હતું. જો કે ગુજરાત સિવાયના તમામ રાજ્યમાં ઉત્પાદન ઘટવાનો અંદાજ છે, જેને પગલે સમગ્ર દેશનું ઉત્પાદન માત્ર ૧૧.૬૫ લાખ ટન વધીને ૪૯ લાખ ટન થશે.

મગફળીમાં ઉત્પાદનના અંદાજો ઉંચા આવતા આજે ભાવમાં પણ ઘટાડો થયો હતો. સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આશરે ૧૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ ૨૦ કિલોએ રૂ. ૫૦થી ૮૦ ઘટીને રૂ. ૧૦૦૦થી ૧૧૦૦ની વચ્ચે બોલાયા હતા.

રાજકોટના મગફળીના ટ્રેડરો કહે છે કે સરકાર દ્વારા ટેકના ભાવથી મગફળીની ખરીદી કયારે કરવામાં આવશે ? તે હજી નક્કી નથી અને સંભવત દિવાળી બાદ જ શરૂ થશે, પરિણામે એ પહેલા ચિક્કાર આવકોની ધારણાએ ભાવ ઘટી રહ્યાં છે.

ગુજરાતમાં મગફળીના ઉંચા પાકને પગલે સિંગતેલ પણ સસ્તુ થાય તેવી ધારણા છે. હાલ અમદાવાદ શહેરમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. ૧૯૦૦થી ૧૯૨૦ છે, જે વધીને એક તબક્કે રૂ. ૨૦૦૦તી ૨૧૦૦ સુધી પહોંચ્યા હતા. નવી સિઝનમાં સિંગતેલના ડબ્બાનો ભાવ ઘટીને રૂ. ૧૭૦૦ થી ૧૮૦૦ની સપાટીએ આવે તેવી ધારણા છે. જો કે સરકાર દ્વારા ગુજરાતમાંથી મગફળીની કેટલી માત્રામાં ખરીદી કરવામાં આવે છે તેના ઉપર સમગ્ર તેજી-મંદીનો આધાર રહેલો છે. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે મગફળીના ટેકાના ભાવ રૂ. ૧૦૧૮ જાહેર કર્યા છે જે ગત વર્ષે ગુજરાતમાં રૂ. ૧૦૦૦ હતા. હાલ બજાર ભાવ ટેકાના ભાવની નજીક છે, પરંતુ જો સરકાર વહેલી ખરીદી શરૂ નહીં કરે તો ભાવ ગગડી જશે અને સિંગતેલ પણ થોડું નીચુ આવી શકે છે.

(11:50 am IST)