ગુજરાત
News of Friday, 27th September 2019

પ્રાતીજ માં ગટર સાફ કરવા ઉતરેલા રોજમદારનું ગૂંગળાઈ જવાથી મોત : બચાવવા ગયેલ યુવકનો પણ શ્વાસ રૂંધાયો

ઘટનાની જાણ પ્રાંતિજ પાલિકા પ્રમુખ ગીતાબેન પટેલને થતાં પ્રમુખ સહિત કોર્પોરેટરો ઘટના સ્થળે દોડી આવ્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ વિસ્તારની ગટર સફાઇ કરવા માટે ગટરમાં ઉતરેલ રોજમદારનું ગટરમાં શ્વાંસ રૂંધાઇ જતાં મોત નિપજ્યું હતું. યુવકને ગટરમાં બચાવવા માટે પડેલ યુવકનો પણ શ્વાંસ રૂંધાતા લોકોએ બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો.

 આ અંગે મળતી વિગત મુજબ પ્રાંતિજ નગરપાલિકાના ભાખરીયા બસસ્ટેન્ડ વિસ્તારમાં નગરપાલિકાની ગટર લાઇનમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ કોન્ટ્રાક્ટરનો રોજમદાર ગટર સફાઈ માટે ગટરમાં ઉતર્યો હતો. બાદરજી કાંતિજી મસાર, વખતપુરા (તાલુકો-આંબાપુરા જી.બાંસવાડા)  ( ઉ,વ,  ૩૨ ( ગટરમાં ઉતર્યો હતો. તે દરમ્યાન બાદરજીને શ્વાસ લેવામાં તકલીફ પડતાં બુમાબુમ કરતાં લોકો દોડી આવ્યા હતાં. તેને બચાવવા માટે ત્યાંથી પ્રસાર થતા રજનીભાઇ ગોવિંદભાઇ પરમાર પણ ગટરમાં ઉતર્યો હતો પણ તેનો પણ શ્વાસ રૂંધાઇ જતાં બુમાબુમ કરતાં તેને બહાર કાઢવામાં આવ્યો હતો. અને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બાદરજી કાંતિજી મસારને ગટર માંથી મૃત હાલતમાં એકઠાં થયેલ લોકો દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો.

   આ ઘટનાની જાણ પ્રાંતિજ પાલિકા પ્રમુખ ગીતાબેન પટેલને થતાં પ્રમુખ સહિત કોર્પોરેટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસને કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકનો કબ્જો મેળવી પ્રાંથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.સમગ્ર ઘટના મામલે પોલીસે આગળ તપાસ હાથધરી છે.

(8:59 pm IST)