ગુજરાત
News of Friday, 27th September 2019

પ્રોફેશનલ મેડિકલ કોર્સિસમાં પ્રવેશ મેળવવા NEETની પરીક્ષા આપવી ફરજિયાત: હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

NEETની પરીક્ષા વિના અપાયેલા પ્રવેશને ગેરકાયદેસર હોવાનું ઠરાવ્યું

 

અમદાવાદ: આયુર્વેદ અને હોમિયોપેથીના પ્રોફેશનલ મેડિકલ કોર્સિસમાં પ્રવેશ માટે NEETની પરીક્ષા આપવી ફરજિયાત હોવાનો મહત્વનો આદેશ હાઇકોર્ટના જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીએ કર્યો છે. એસોસિયેશન ઓફ સેલ્ફ-ફાયનાન્સ્ડ આયુર્વેદ કોલેજીસ ઓફ ગુજરાત અને અન્યોની વિવિધ અરજીઓને ફગાવી કાઢતાં હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું છે કે,‘પ્રસ્તુત કેસોના તથ્યોને જોતાં પ્રોફેશન મેડિકલ કોર્સિસમાં પ્રવેશની લાયકાત માટે NEETની પરીક્ષા કાયદાની જોગવાઇઓ પ્રમાણે ફરજિયાત છે.

  અરજદાર એસોસિયેશન અને અન્ય સંસ્થાઓ કાયદાની ફરજિયાત જોગવાઇઓનો અમલ કર્યા સિવાય ખાલી રહી ગયેલી બેઠકો ઉપર પ્રવેશ આપી શકે નહીં. તેથી તમામ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓએ મેડિકલ એજ્યુકેશનના પ્રવેશના પ્રથમ વર્ષે પ્રવેશ માટેના કાયદાનો કડકાઇથી અમલ કરવો પડે. કાયદાનું જરા પણ હળવું અર્થઘટન કરવામાં આવે તો પ્રોફેશન કોર્સિસના મહત્ત્વના શિક્ષણની ગુણવત્તાનું અધ:પતન થઇ શકે છે.’ સાથે હાઇકોર્ટે NEETની પરીક્ષા વિના અપાયેલા પ્રવેશને ગેરકાયદેસર હોવાનું ઠરાવ્યું છે.

   સમગ્ર મામલે સેલ્ફ ફાયનાન્સ કોલેજના એસોસિયેશન ઉપરાંત અન્ય સંસ્થાઓ તથા કેટલાક વિદ્યાર્થીઓ તરફથી હાઇકોર્ટ સમક્ષ જુદીજુદી પિટિશન કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ધોરણ-૧૨ સાયન્સ વિદ્યાર્થીઓને આયુર્વેદ અને હોમિયોપેથાના મેડિકલ કોર્સિસની સેલ્ફ ફાયનાન્સની ખાલી બેઠકો પર NEETની પરીક્ષા વિના આપવામાં આવેલા પ્રવેશને કાયદેસર ઠેરવવાની દાદ માગવામાં આવી હતી. જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીએ અરજદારોને માગને ગ્રાહ્ય રાખી નહોતી અને સુપ્રીમ કોર્ટ ઉપરાંત અન્ય હાઇકોર્ટે કેટલાક વિશેષ સંજોગોના આધારે પ્રવેશ આપ્યા હોવાનું નોંધ્યું હતું. પ્રસ્તુત કેસ સંદર્ભે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે,‘ કેસમાં પ્રોફેશનલ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટેની ફરજિયાત લાયકાત NEETની પરીક્ષા છે.’

   કેસની વિગત મુજબ હોમિયોપથી અને આયુર્વેદના મેડિકલ કોર્સિસમાં પ્રવેશ માટે બે વાર ઓનલાઇન અને ત્યારબાદ એક વાર ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ પણ જો બેઠકો ખાલી રહે તો બેઠકો સંસ્થાઓના સંચાલકોને ભરવા માટે આપી દેવામાં આવે છે અને તેમાં એડમિશન કમિટીની ભૂમિકા રહેતી નથી. તેવા સંજોગોમાં પ્રોફેશન મેડિકલ કોર્સિસમાં પ્રવેશ માટેની લાયકાત NEETની પરીક્ષા હોવા છતાંય કેટલીક ખાલી બેઠકો પર સેલ્ફ ફાયનાન્સ કોલેજો દ્વારા ધોરણ૧૨ સાયન્સ પાસ વિદ્યાર્થીઓને સીધા પ્રવેશ ફાળવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે યુનિવર્સિટીમાં એનરોલમેન્ટ કરાવવા ગયા ત્યારે યુનિવર્સિટીએ તેમને એનરોલ કરવાનો ઇન્કાર કરી દીધો. વિદ્યાર્થીઓએ કાયદા મુજબ ફરજિયાત NEETની પરીક્ષા આપી નહીં હોવાથી તેમની નોંધણી થઇ શકી નહોતી. તેથી પ્રવેશ આપનારી સંસ્થાઓ, એસોસિયેશન અને વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં રિટ કરી હતી.

(8:48 am IST)