ગુજરાત
News of Friday, 27th September 2019

વડોદરાના રાંમ્ય વિસ્તારમાં પીવાના પાણીના પ્રોજેકટને મળ્યો કેન્દ્ર સરકારનો સ્ક્રેચ એવોર્ડ

ભૂગર્ભ જળને બદલે ગામોને નદીઓના પાણી પુરા પાડવા અને પ્રત્યેક ઘરને નળ જોડાણનું વ્યાપક આયોજન

 

વડોદરા : રાજ્યના 33 જિલ્લાઓ પૈકી માત્ર વડોદરા કલેક્ટરેટને ગ્રામ વિસ્તારોમાં પીવાના પાણીની નમૂનેદાર વ્યવસ્થા માટે રાષ્ટ્રિયસ્તરનો પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ મળ્યો.જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલને નવી દિલ્હી ખાતેના સમારોહમાં કેન્દ્રીય માનવ સંપદા મંત્રીએ એવોર્ડ પ્રદાન કર્યો.ડ્રિંકિંગ વોટર પ્રોજેકટ હેઠળ ભૂગર્ભ જળને બદલે ગામોને નદીઓના પાણી પુરા પાડવાનું અને પ્રત્યેક ઘરને નળ જોડાણ ઉપલબ્ધ કરાવવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.

   રાજ્યના 33 જિલ્લાઓ છે.તે પૈકી માત્ર વડોદરા કલેક્ટરેટની રાષ્ટ્રિયસ્તરના અને પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ માટે ગૌરવપ્રદ પસંદગી થઈ છે. એવોર્ડ વડોદરાને જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લાના ગામોમાં પીવાનું પાણી પૂરું પડવાની નમૂનેદાર વ્યવસ્થા એટલે કે ડ્રિંકિંગ વોટર પ્રોજેકટ માટે આપવામાં આવ્યો છે. સ્કોચ ગ્રૂપ દ્વારા ગઈકાલે નવી દિલ્હી ખાતે કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજવામાં આવેલા એક સમારોહમાં ભારત સરકારના માનવ સંપદા મંત્રી રમેશ પોખરીયાલે એવોર્ડ જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલને પ્રદાન કર્યો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટરના નેતૃત્વ વડોદરા જિલ્લામાં પ્રથમવાર જિલ્લાના તમામ તાલુકાઓને આવરી લઈને પાણી પુરવઠાનો ઇન્ટિગ્રેટેડ પ્લાન બનાવવામાં આવ્યો છે અને તેનો અમલ થઈ રહ્યો છે.તેમાં મુખ્યત્વે જિલ્લાના પ્રત્યેક ઘરને નળ થી પીવાનું પાણી પૂરું પાડવું, ગુણવત્તાસભર પાણી પૂરું પાડવું અને ખૂટતા જતા ભૂગર્ભ જળને બચાવી લેવા સરફેસ વોટર પૂરું પાડવાને અગ્રતા આપવામાં આવી રહી છે.

તેના માટે ઘણી યોજનાઓ અમલીકરણ હેઠળ છે,અન્ય ઘણી યોજનાઓ રાજ્ય સરકારની મંજૂરી માટે મોકલવામાં આવી છે તો કેટલીક યોજનાઓ પુરી થઈ છે અને લાભાર્થી ગામોને પાણી મળતું થઈ ગયું છે. રાજ્ય સરકારે યોજનાઓના અમલીકરણ માટે કરોડો રૂપિયા ફાળવીને વડોદરા જિલ્લા પ્રશાસનની કાર્ય ક્ષમતામાં વિશ્વાસ મુક્યો છે.

ઇન્ટિગ્રેટેડ પ્લાન પહેલા વડોદરા જિલ્લામાં માત્ર 25 ટકા એટલે કે 165 ગામોને પીવા માટે સરફેસ વોટર ઉપલબ્ધ હતું અને અન્ય ગામો માટે ભૂગર્ભ જળનો ખૂબ મોટા પ્રમાણમાં વપરાશ થતો એનો ઉલ્લેખ કરતાં જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે ભૂગર્ભ જળનો વપરાશ શક્ય તેટલો ઘટાડવાની નેમ સાથે અમલીકરણ હાથ ધર્યું અને આજે જિલ્લાના 75 ટકા ગામોને એટલે કે 495 ગામોને પીવા માટે સરફેસ વોટર નર્મદા,મહી અને નર્મદા નહેરના જળ ભંડારમાંથી પૂરું પાડવામાં આવી રહ્યું છે જેના લીધે ભૂગર્ભ જલનું ખૂબ મોટા પ્રમાણમાં સંરક્ષણ થશે.

તેમણે જણાવ્યું કે ઘર ઘર નળસે જળનો અભિગમ વડોદરા જિલ્લાએ એક પહેલના રૂપમાં અપનાવ્યો છે.તેના હેઠળ હાલમાં જિલ્લાના 95 ટકા ઘરોને નળ જોડાણ દ્વારા પાણી ઉપલબ્ધ કરાવવામાં સફળતા મળી છે.5 ટકા વંચિત ઘરોને નળ જોડાણથી સાંકળી લેવાનું કામ ચાલી રહ્યું છે.હાલમાં 296239 લોકોને ઘેર ઘેર નળ જોડાણ થી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે સેટેલાઇટ બેઝ અને કંટુર બેઝ મેપિંગ જેવી અદ્યતન ટેકનોલોજી આધારિત વ્યવસ્થાઓનો ઉપયોગ કરીને જિલ્લાના સુસંકલીત જળ આયોજનનો અમલ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત રેન વોટર હારવેસ્ટિંગ અને રેન વોટર કંઝર્વેશનના કામો પણ જિલ્લામાં હાથ ધરવામાં આવ્યા છે જેના થી જિલ્લાનું જળ ભવિષ્ય સુરક્ષિત અને ઉજળું બનશે.તેમણે જણાવ્યું કે સ્કોચ એવોર્ડ માટે પસંદગીનો યશ ટીમ વડોદરાની જહેમત અને નિષ્ઠાને આભારી છે. રાષ્ટ્રીય સ્તરની કદર થી ટીમ વડોદરા વધુ સારા અને લોકલક્ષી કામો કરવા માટે પ્રોત્સાહિત થશે.

 

(8:46 am IST)