ગુજરાત
News of Tuesday, 27th July 2021

રાજ્યમાં છેલ્લાં 3 વર્ષમાં 244 કસ્ટોડિયલ ડેથ: લોકસભામાં ચોંકાવનારા આંકડા જાહેર થતા ખળભળાટ

ગુજરાતમાં 2010થી 2017 એમ છેલ્લા 8 વર્ષમાં 470 વ્યક્તિનું કસ્ટોડિયલ ડેથ

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં 244 કસ્ટોડિયલ ડેથના આંકડા જાહેર કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. લોકસભામાં કસ્ટોડિયલ ડેથના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં 244 કસ્ટોડિયલ ડેથના આંકડા જાહેર થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

લોકસભામાં કસ્ટોડિયલ ડેથના જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વર્ષ 2020-21માં ગુજરાતમાં 99 કસ્ટોડિયલ ડેથ થયા હતા. જ્યારે વર્ષ 2019-20માં 65 કસ્ટોડિયલ ડેથ થયા છે અને 2018-19માં 80 કસ્ટોડિયલ ડેથ નોધાયા હોવાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. કસ્ટોડિયલ ડેથનો મતલબ એવો પણ થતો નથી કે કસ્ટડીમાં પોલીસના દમનથી જ વ્યક્તિનું મૃત્યુ થયું છે.

કોઇ વ્યક્તિ જેલમાં બિમાર પડે અને મૃત્યુ પામે તો તેને પણ કસ્ટોડિયલ ડેથ ગણવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 2010થી 2017 એમ છેલ્લા 8 વર્ષમાં 470 વ્યક્તિનું કસ્ટોડિયલ ડેથ થયું છે. કસ્ટોડિયલ ડેથનું આ ઊંચું પ્રમાણ ખૂબજ ચિંતાજનક છે. અગાઉ ગુજરાતના માનવાધિકાર પંચ સમક્ષ દાખલ કરવામાં આવેલી એક આરટીઆઇ અરજીમાં આ ચોંકાવનારો ખુલાસો થયો હતો. જે અનુસાર વર્ષ 2017માં ગુજરાતમાં 55 કસ્ટોડિયલ થયા હતા. આ પૈકી સૌથી વધુ 15 કસ્ટોડિયલ ડેથ અમદાવાદમાં છે, જેમાંથી બે મોત પોલીસ કસ્ટડીમાં જ્યારે 13 મોત સાબરમતી સેન્ટ્રલ જેલમાં થયા હતા.

2017ના વર્ષમાં 55માંથી 33 એટલે કે 60% કસ્ટોડિયલ ડેથ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મોટા શહેરમાં નોંધાયા હતા. જેમાંથી વડોદરા-સુરત-રાજકોટમાં 6-6 કસ્ટોડિયલ ડેથનો સમાવેશ થાય છે. સાદી ભાષામાં કહેવામાં આવે તો પોલીસ કસ્ટડીમાં કોઇ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેને કસ્ટોડિયલ ડેથ કહેવામાં આવે છે. કોઇ આરોપી જેલમાં મૃત્યુ પામે તો તેને જ્યુડિશિયલ કસ્ટડી ડેથ કહેવમાં આવે છે.

(9:25 pm IST)