ગુજરાત
News of Tuesday, 27th July 2021

કયારે ભણશે ગુજરાત:સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઇડ શાળાઓમાં હજુ પૂરતા પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી !!

શાળાઓમાં પાઠયપુસ્તકો વહેલી તકે ઉપલબ્ધ કરાવવા બાબતે આપ દ્વારા શિક્ષણમંત્રીને આવેદનપત્ર પાઠવાયું

ગાંધીનગર : નવું શૈક્ષણિક સત્ર શરુ થયાને દોઢ મહિના જેટલો સમય વીતી ગયો છે અને કોરોના મહામારીને કારણે અત્યારે વિદ્યાર્થીઓએ ઘરે બેઠા જ પોતાનું શિક્ષણ કાર્ય આગળ વધારવું પડે એવી પરિસ્થિતિ છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની સરકારી તેમજ ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં પાઠયપુસ્તકો પહોંચ્યા નહીં હોવાની રજૂઆત રાજયના શિક્ષણમંત્રી સમક્ષ કરી છે. આ પાઠયપુસ્તકો વહેલી તકે વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવા માટેની માંગણી કરતું આવેદનપત્ર શિક્ષણમંત્રીને આપવામાં આવ્યું છે.

આ આવેદનપત્ર અંગે આમ આદમી પાર્ટીના એજ્યુકેશન સમિતિના અગ્રણી રાકેશ હિરપરાએ જણાવ્યું છે કે, અમે પ્રાપ્ત કરેલી જાણકારીઓ મુજબ પાઠ્યપુસ્તક વિતરણની પરિસ્થતિ બહુ જ ખરાબ છે. ગુજરાતના અનેક ગામડાઓ, નગરો અને મહાનગરોની શાળાઓમાં હજુ પૂરતા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થયા નથી. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં તો પરિસ્થિતિ બહુ ખરાબ છે.

તેમણે વધુમાં કહ્યું કે, આમ તો ગુજરાતનો એક પણ જીલ્લો એવો નથી જ્યાં સંપૂર્ણ પાઠ્યપુસ્તકો આવી ગયા હોય છતાંય અમને મળેલી માહિતી મુજબ ઉના, જલાલપોર, પોરબંદર, દાહોદ, ચોટીલા, તાલાળા, સાવરકુંડલા, કલ્યાણપુર, વગેરે તાલુકાની શાળાઓમાં આ સમસ્યા જોવા મળી છે. જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાની તો એક પણ પ્રાથમિક શાળાને એક પણ ધોરણ-વિષયના પાઠ્યપુસ્તકો પ્રાપ્ત થયા નથી. વળી, આ પાઠ્યપુસ્તકો સ્ટેશનરી તેમજ બુક સ્ટોરમાં પૈસા આપીને સરળતાથી મળી જાય છે.

આ વર્ષે બદલાયેલા ધોરણ 4ના ગુજરાતી વિષયના અને ધોરણ 8ના સામાજીક વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકો તો એક પણ શાળામાં કે સ્ટેશનરી/બુક સ્ટોરમાં પણ હજુ મળ્યા નથી. અભ્યાસક્રમ બદલાવાનો હોય તો એની પૂર્વતૈયારી તો સરકારે કરવી જોઈએ કે નહી ?

વધુમાં એમ પણ જણાવ્યું છે કે, પાઠ્યપુસ્તકો વિના શિક્ષકો શેરી-શિક્ષણ કેવી રીતે કરાવે ? એકમ કસોટી નજીક આવી ગઈ છે. જ્ઞાનસેતુના પુસ્તકો પણ હજુ ઘણી શાળાઓને મળ્યા નથી. તો કેટલીક શાળાઓમાં બહુ જ મોડા મળ્યા છે. વાલીઓના જણાવ્યા અનુસાર પાઠ્યપુસ્તકો દર વર્ષે મોડા જ મળે છે. આ તો બહુ ગંભીર બાબત છે. પાઠ્યપુસ્તકો વિના કેવી રીતે ભણશે ગુજરાત ?

ગુજરાતના વાલીઓ અને શિક્ષકો વતી આમ આદમી પાર્ટી-ગુજરાતે વહેલામાં વહેલી તકે તમામ માધ્યમોની સરકારી તેમજ ગ્રાંટ-ઈન-એઈડ શાળાઓના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગણી કરી છે.

(8:59 pm IST)