ગુજરાત
News of Tuesday, 27th July 2021

લિફ્ટની યોગ્ય જાળવણીનો અભાવ લોકો માટે જોખમી

એલિવેટર્સ-એસ્કેલેટર્સ સેફ્ટી ટ્રસ્ટ સ્થાપકની ચેતવણી : લિફ્ટમાં હલકી ગુણવત્તાવાળા સાધનો અને ખામીયુક્ત ઈન્સ્ટોલેશનથી મોટી હોનારતની શક્યતા ખુબ જ વધુ

 

અમદાવાદ, તા.૨૭ : લોકડાઉનને કારણે મોટાભાગની રેસિડેન્શિયલ અને કમર્શિયલ બહુમાળી ઈમારતોમાં લિફ્ટના મેઈન્ટેનન્સ અને સર્વિસની કામગીરી પર અસર થઈ છે. ફેબ્રિકેશનના નિષ્ણાતો દ્વારા હલકી ગુણવત્તાવાળા સાધનો, લોડ કેપિસિટીની બિનવૈજ્ઞાનિક ગણતરી અને ખામીયુક્ત ઈન્સ્ટોલેશનથી મોટી હોનારત થવાની શક્યતાઓ રહે છે, એમ ઈઈએસટીના સ્થાપક સભ્ય અને ટીએકે કન્સલ્ટિંગના ટીએકે મેથ્યુઝના જણાવ્યું હતું.

એલિવેટર્સ એન્ડ એસ્કેલેટર્સ સેફ્ટી ટ્રસ્ટ (ઈઈએસટી એ ૨૦૦૮માં સ્થપાયેલી એક બિનનફાકારક ઔદ્યોગિક સંસ્થા છે.)ના એક અંદાજ અનુસાર દેશમાં ૧૭૦ મિલિયન લોકો દ્વારા દરરોજ આશરે ૧૦૦ કરોડ વખત એલિવેટર્સ અને એસ્કેલેટર્સનો ઉપયોગ કરવામાં આવે છે.

ટીએકે મેથ્યુસે વધુમાં જણાવ્યું હતું કે એલિવેટર્સ અને એસ્કેલેટર્સના અકસ્માતોનો વાર્ષિક આંક બે આંકડામાં અને ઈજાગ્રસ્તોનો આંકડો હજારોમાં નોંધાય છે. હલકી ગુણવત્તા ધરાવતા સાધનો અને કોમન સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ અને કોડ ફોર એલિવેટર્સનું પાલન નહીં કરવા ઉપરાંત અપૂરતા મેઈન્ટેનન્સને કારણે આ લિફ્ટ્સની સવારી માણસો અને ઉપકરણો બંને માટે જોખમી છે.

એલિવેટર્સ એન્ડ એસ્કેલેટર્સ સેફ્ટી ટ્રસ્ટ (ઈઈએસટી)એ ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરી રાજ્યમાં ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એન્ડ કોડ ફોર સેફ્ટી ઓફ એલિવેટર્સ એન્ડ એસ્કેલેટર્સનું અમલીકરણ સુનિશ્ચત કરવા વિનંતી કરી છે. ઈઈએસટી ઉપરાંત વૈશ્વિક ઉદ્યોગના નિષ્ણાતોનું જૂથ ડિસેમ્બર, ૨૦૨૧માં મુંબઈમાં એલિવેટર્સ એન્ડ એસ્કેલેટર્સ માટે ઈન્ટરનેશનલ સોર્સિંગ એક્સપોઝિશનના આયોજન માટે સંકલન કરી રહ્યું છે.

ગુજરાતમાં એલિવેટર્સ અને એસ્કેલેટર્સ ક્ષેત્રમાં સુધારા કરવા માટે ઈઈએસટીએ તેની નિપુણતા અને અનુભવના માધ્યમથી રાજ્ય સરકારને શક્ય તમામ સહાય ઉપલબ્ધ બનાવવાની ઓફર કરી છે. એલિવેટર્સ અને એસ્કેલેટર્સના ઈન્સ્ટોલેશન અને મેઈન્ટેનન્સ માટે નિયમોના અનુપાલનની પ્રક્રિયા અને મોનિટરિંગ ઓથોરિટીની જાહેરાત કરવી ફરજિયાત છે.

રાજ્યભરમાં સલામતી નિયમોના બિનઅસરકારક અમલીકરણની અનેક ઘટનાઓ જોવા મળે છે. મુસાફરોની સલામતીનું ધ્યાન રાખવાની અને તેને સૌથી વધુ અગ્રતા આપવાની જેમની પાસેથી અપેક્ષા રખાય છે તેવા સરકારી અધિકારીઓ, આર્કિટેક્ટ્સ, સામાજિક આગેવાનો, એલિવેટર્સ અને એસ્કેલેટ્સના માલિકો અને ખરીદદારો સલામતીને બદલે વ્યાપારિક લાભ માટે મુસાફરોની સલામતીને બદલે કિંમતને અગ્રતા આપે છે.

(8:56 pm IST)