ગુજરાત
News of Tuesday, 27th July 2021

અજય દેસાઈને સાથે રાખીને હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાયું

સ્વીટી પટેલ મર્ડર કેસમાં પોલીસની સઘન તપાસ : દેસાઈએ કઈ રીતે મર્ડર કર્યું, તેની બોડીને ધાબળામાં કઈ રીતે લપેટી લઈ જવા સહિતની ઘટના વણી લેવાઈ

વડોદરા, તા.૨૭ : ચકચારી સ્વીટી પટેલ મર્ડર કેસમાં આજે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ આરોપી અજય દેસાઈને કરજણમાં આવેલી પ્રાયોશા સોસાયટીમાં લઈને પહોંચી હતી. સોસાયટીમાં અજય દેસાઈએ સ્વીટી માટે બંગલો ભાડે રાખ્યો હતો, અને ૦૫મી જૂનના રોજ રાત્રે તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. પોલીસે આજે અજય દેસાઈએ કઈ રીતે સ્વીટીનું મર્ડર કર્યું, તેની બોડીને ધાબળામાં કઈ રીતે લપેટી ત્યાંથી લઈને તે પોતાની ગાડીને રિવર્સ મારીને બંગલામાં કઈ રીતે લાવ્યો ત્યાં સુધીનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. અજય દેસાઈએ પોતાનો ગુનો કબૂલી લીધા બાદ હાલ તે ૧૧ દિવસના રિમાન્ડ પર છે. ગઈકાલે કોર્ટે તેના રિમાન્ડને મંજૂરી આપી હતી.

આજે પોલીસ તેને લઈને જે બંગલામાં મર્ડર થયું ત્યાં પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, ઘરના બાથરુમમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને લોહીના ડાઘા મળ્યા હતા. પોલીસ અજય દેસાઈને લઈને તેણે જ્યાં લાશ બાળી હતી ત્યાં પણ જશે. ભરુચ જિલ્લાના દહેજ તાલુકામાં આવેલા અટાલી ગામમાં રસ્તા પર આવેલી એક અવાવરું બિલ્ડિંગમાં અજયે સ્વીટીની લાશને બાળી હતી.

તે વખતે તેનો મિત્ર કિરિટસિંહ જાડેજા પણ ત્યાં હાજર હતો. પોલીસ સામાન્ય રીતે આરોપી સામે મજબૂત પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહીમાં તેણે કઈ રીતે ગુનાને અંજામ આપ્યો તેનું તેની પાસેથી રિકન્સ્ટ્રક્શન કરાવતી હોય છે, અને સમગ્ર ઘટનાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવતી હોય છે. કેસ ખાસ્સો હાઈપ્રોફાઈલ હોવાથી અજય દેસાઈએ ગુનો કબૂલી લીધા બાદ પણ તે ટ્રાયલ દરમિયાન કાયદાની કોઈ છટકબારીનો લાભ ના ઉઠાવી શકે તે માટે તેની સામે ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જેના ભાગરુપે આજે તેની પાસેથી તેણે કઈ રીતે મર્ડર કર્યું તેમજ લાશનો નિકાલ કઈ રીતે કર્યો તે તમામ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે.

પોતાનો ગુનો કબૂલી લીધા બાદ અજયના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા તે સાથે વડોદરા જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સ્વીટી ગાયબ થઈ તેના દિવસો સુધી અજય દેસાઈ નોકરી પર ચાલુ હતો, પરંતુ કેસની તપાસ ડીવાયએસપી સ્તરના અધિકારીને સોંપાતા દેસાઈ પાસેથી ર્જીંય્ પીઆઈ અને સાયબર ક્રાઈમનો ચાર્જ પરત ખેંચી લઈ તેને રજા પર ઉતારી દેવામાં આવ્યો હતો. રવિવારે વડોદરા એક કાર્યક્રમમાં આવેલા રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ પણ અજય દેસાઈ સામે ખાતાકીય તપાસ થશે તેમ જણાવ્યું હતું. સ્વીટીની લાશને જે જગ્યાએ સળગાવાઈ હતી ત્યાંથી માત્ર હાડકાંના અંશ મળ્યા હતા.

તે હાડકાં સ્વીટીના હતા કે નહીં તેનો હજુ ડીએનએ રિપોર્ટ આવવાનો બાકી છે. જોકે, અજયે લાશને કઈ રીતે સળગાવી તેની કોઈ ચોક્કસ માહિતી હજુ સુધી બહાર નથી આવી શકી. પોલીસને શંકા છે કે અજયે ગાડીમાંથી ડીઝલ કાઢીને કે પછી બીજા કોઈ અત્યંત જ્વલંતશીલ પદાર્થ દ્વારા તેની લાશને સળગાવી હોઈ શકે છે.

(7:30 pm IST)