ગુજરાત
News of Monday, 27th July 2020

રાજ્યમાં અનેક જગ્યાએ સ્વૈચ્છીક લોકડાઉન લાગુ : કયા શહેરો અને ગામડામાં અમલ ? વાંચો ફટાફટ

સિદ્ધપુરમાં 15 ઓગસ્ટ સુધી બપોર બાદ તમામ ધંધા-રોજગારો બંધ : સુરતનાં હીરા ઉદ્યોગકારો દ્વારા સમય વધારવાની માંગ

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં સતત કોરોના સંક્રમણનાં કેસ વધી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં આવેલા કેટલાંક ગામડાંઓ અને શહેરોમાં બપોર પછી ગુજરાતમાં લોકડાઉન શરૂ કરવામાં આવી રહ્યું છે. રાજ્યનાં ઘણાં ખરાં વિસ્તારોમાં વેપારીઓએ પોતપોતાની રીતે સ્વૈચ્છિક બંધ પાળવાનો નિર્ણય કર્યો છે.

સુરતમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આજથી ST-ખાનગી બસ સેવાનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે જે સેવા 10 દિવસ સુધી બંધ રહેશે.

   પાટણનાં સિદ્ધપુર નગરપાલિકાએ એક મોટો નિર્ણય કર્યો છે. પાટણમાં 31 જુલાઈ સુધી બપોરનાં 1 વાગ્યા સુધી જ બજારો ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ હવે સિદ્ધપુરમાં પણ 15 ઓગસ્ટ સુધી દુકાનો 2 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. સિદ્ધપુરમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં બપોર પછી લોકડાઉન રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાં કારણે આજથી 15 ઓગસ્ટ સુધી બપોર બાદ તમામ ધંધા-રોજગારો બંધ રહેશે. સતત 14 દિવસ સુધી બજારો સ્વયંભુ બંધ રાખવામાં આવશે.

ઊંઝા માર્કેટયાર્ડને પણ 2 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.કોરોના સંક્રમણ વધતા ઊંઝા APMCનાં સત્તાધીશો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઊંઝા વેપારી એસોસિએશન અને વેપારી મંડળની ભલામણને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉંઝાનું APMC માર્કેટ 2જી તારીખ સુધી બંધ રહેશે. અત્યાર સુધી તારીખ 20થી 25 સુધી વેપારીઓ વેપાર-ધંધા સ્વંયંભુ બંધ રાખતા હતાં. જ્યારે હવે કોરોના સંક્રમણ વધતા 2જી તારીખ સુધી પોતાની મેળે સ્વૈચ્છિક લોકડાઉન વધારી દીધું છે.

રાજકોટમાં પણ કોરોનાનાં વધતા જતા સંક્રમણને કારણે આજથી સોની બજાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગોલ્ડ ડિલર એસોસિએશનનાં પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ જાહેરાત કરતા જણાવ્યું કે, “આજથી 1 ઓગસ્ટ સુધી રાજકોટનું સોની બજાર બંધ રાખવામાં આવશે.

બીજી બાજુ કોરોના સંક્રમણને કારણે સુરતનાં હીરાનાં ઉદ્યોગકારો દ્વારા સમય વધારવાની માંગણી કરાઈ છે. હાલ બપોરે 2થી 6 સુધીની મંજૂરી છે. પરંતુ તેમણે સરકાર પાસે સવારે 10થી સાંજના 6 સુધી છૂટની માગ કરી છે. સુરતનાં ઉધોગકારોએ સરકારને કારણ આપ્યું છે કે ઓછા સમયમાં પ્રોસેસિંગ કાર્ય મુશ્કેલ બન્યું છે, અને હીરા ઉદ્યોગમાં કામના ફાંફા પડી રહ્યા છે. સવારે 10થી 6 દરમિયાન અટવાયેલા કામો પાર પાડી શકાય તેમ છે. હાલનો સમય ઓછો પડી રહ્યો છે. રત્નકલાકારોને પણ રોજગારી મળી શકે તેના માટે આ માંગણી કરાઈ છે.

આ ઉપરાંત કોરોના સંક્રમણને અટકાવવા અનેક શહેરો અને ગામડાઓમાં વેપારીઓ એક્શનમાં આવ્યાં છે. રાજ્યનાં અનેક શહેરોમાં વેપારીઓએ દુકાન ખોલવાનો અને બંધ કરવાનો નિશ્ચિત સમય નક્કી કર્યો છે. જેમાં અમદાવાદ-ગાંધીનગરનાં વિસ્તારોમાં ચિલોડા, દહેગામ, ડભોઈ, લુણાવાડા, રાજપીપળા, છોટા ઉદેપુર, ધ્રાંગધ્રાં અને પાલનપુરમાં વેપારીઓએ સ્વેચ્છાએ બપોર બાદ સ્વયંભૂ લોકડાઉન લાગુ રાખવાનો નિર્ણય કર્યો છે.

(10:25 pm IST)