ગુજરાત
News of Monday, 27th July 2020

વડોદરામાં ૧૮ કેદીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

અગાઉ ૨૫ સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા : સેન્ટ્રલ જેલના ૬૦ વર્ષ કરતા વધારે ઉંમરના કેટલાંક કેદીના સેમ્પલ્સ કોરોના ટેસ્ટિંગ માટે એકત્રિત કર્યા હતા

વડોદરા, તા.૨૭ : શનિવારે રાત્રે વડોદરા સેન્ટ્રલ જેલના ૧૮ કેદીઓનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગત અઠવાડિયે જેલના ૨૫ કેદીઓના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા. ૨૫ પૈકી કુલ ૧૮ કેદીઓનો કોરોના વાયરસ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે તમામ ૧૮ કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓ એસિમ્પ્ટોમેટિક છે અને હાલ જીજીય્ હોસ્પિટલના સ્પેશિયલ કોવિડ-૧૯ વોર્ડમાં દાખલ કરાયા છે. જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ બળદેવસિંહ વાઘેલાએ જણાવ્યું કે અમે જેલના ૬૦ વર્ષ કરતા મોટી ઉંમરના કેટલાંક કેદીઓના સેમ્પલ્સ કોરોના ટેસ્ટિંગ માટે એકત્રિત કર્યા હતા. કેદીઓના સંપર્કમાં આવેલા જેલના પાંચ જેટલા કર્મચારીઓના સેમ્પલ પણ ટેસ્ટિંગ માટે એકત્રિત કરવામાં આવ્યા છે અને તેઓના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. અગાઉ પણ બે કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે પૈકી એક કેદીને સર્જરી માટે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને તે કેદીના સંપર્કમાં આવેલો અન્ય કેદી પણ સંક્રમિત થયો હતો.

              જેલના સુપ્રિન્ટેન્ડેન્ટે વધુ વાત કરતા જણાવ્યું કે જેલમાં આવનાર નવા કેદીને બે અઠવાડિયા માટે અલગથી આઈસોલેશનમાં રાખવામાં આવે છે. ત્યારબાદ તે કેદીને રેગ્યુલર જેલમાં શિફ્ટ કરાય છે. કોરોના વાયરસનું સંક્રમણ જેલમાં ફેલાય નહીં તે માટે તમામ સાવચેતી રાખવામાં આવે છે અને કોરોના ફેલાય નહીં તે સંબંધિત તમામ નિયમોનું પાલન કરવામાં આવે છે. વડોદરાની સેન્ટ્રલ જેલમાં કુલ ૧૩૦૦ જેટલા કેદીઓ સજા કાપી રહ્યા છે.

(7:52 pm IST)