ગુજરાત
News of Monday, 27th July 2020

ગાંધીનગરમાંથી સુકન્યા સમૃદ્ધિ ફોર્મ પાસ કરાવવાના નામે ઠગાઈ

પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી : સુકન્યા સમૃદ્ધિ સ્કીમના નામે બે શખ્સો સામે અનેક લોકો સાથેની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધવામાં આવીે

અમદાવાદ, તા. ૨૭ : બાળકીનો જન્મ થાય ત્યારબાદ તેના નામે નક્કી કરેલા રૂપિયા ભર્યા બાદ અમુક વર્ષો પછી વ્યાજ સાથે તે નાણાં મળે તેવી સરકાર તરફથી સ્કીમ બહાર પાડવામાં આવી હતી. સુકન્યા સમૃદ્ધિ સ્કીમના નામે બે લોકો સામે અનેક લોકો સાથે ઠગાઈ આચરી હોવાની ફરિયાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બંને લોકો ભોગ બનનારને ફોર્મ ભરવાનું અને ગાંધીનગરથી ફોર્મ પાસ કરાવવાના નામે અમુક ફી માંગી ઠગાઈ આચરતા હોવાનું સામે આવ્યું છે.

શહેરના કૃષ્ણનગરમાં આવેલા રાજકમલમાં રહેતા વિપુલભાઈ પટેલ ઘરે હાજર હતા. ત્યારે પોલીસને કોઈએ મેસેજ કરતા પોલીસ તેમના ફ્લેટમાં આવી પહોંચી હતી. જેથી વિપુલભાઈની સાથે અનેક લોકો કૃષ્ણનગર પોલીસસ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં જઈને અનેક લોકો સાથે ઠગાઈ થઈ હોવાની ફરિયાદ આપી હતી. પોલીસ ફરિયાદ પ્રમાણે, આજ ફ્લેટમાં રહેતા જયંતીભાઈ પટેલ અને તેમના દીકરાની વહુ જૈમિનિબહેન પરમારે અનેક લોકો સાથે ઠગાઈ આચરી છે. બંને લોકોએ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ૬૦ હજાર રોકડા મળે છે તેમ કહી ફોર્મ ભરાવ્યા હતા. ફોર્મ ભરવાના ૮૦૫ રૂપિયાફોર્મ પાસ થાય તેના એક હજાર અને ગાંધીનગરથી પૈસા પાસ થાય ત્યારે ૧૩ હજાર આપવના નામે અનેક લોકો પાસે ફોર્મ ભરાવ્યા હતા. ફરિયાદી વિપુલભાઈએ પણ તેમની ચાર વર્ષની દીકરીના નામે સ્કીમનો લાભ લીધો હતો અને જયંતિભાઈને ૮૦૫ રૂપિયા ફોર્મ ભરવાના ચૂકવ્યા હતા. પણ અનેક લોકો સાથે વાત કર્યા બાદ એક ઠગાઈનું કૌભાંડ હોવાનું તેઓના ધ્યાને આવતા વિપુલભાઈએ મામલે પોલીસને જાણ કરી હતી. કૃષ્ણનગર પોલીસે મામલે જયંતીભાઈ અને જૈમિનિબહેન સામે આઇપીસી ૪૦૬,૪૨૦ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(7:51 pm IST)