ગુજરાત
News of Monday, 27th July 2020

સ્વનિર્ભર શાળાઓમાં ઓનલાઇન શિક્ષણનો પુનઃ પ્રારંભ

રાજય સરકારના પરીપત્ર બાદ ખાનગી શાળા સંચાલક મહામંડળે ઓનલાઇન શિક્ષણ થંભાવી દીધુ હતું : સરકારના સંભવીત કડક પગલાના ડરે શિક્ષણ પુનઃ ચાલુ કર્યાનો ગણગણાટ

રાજકોટ : આજથી ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ થયો છે. પ્રસ્તૃત તસ્વીરમાં વિદ્યાર્થી અને શિક્ષિકા ઓનલાઇન શિક્ષણ નજરે પડે છે.  (૯.૩)

ઙ્ગરાજકોટ, તા. ર૭ :  ફી પ્રશ્ને રાજય સરકાર અને ખાનગી શાળાઓના સંચાલકો સામ સામે આવી ગયા હતા. તેમાંય ઓનલાઇન શિક્ષણ અને ફી અંગેનો પરીપત્ર બહાર પાડ્યા બાદ ખાનગી શાળા સંચાલક મહામંડળે તાકીદે વેબીનાર દ્વારા બેઠક બોલાવીને ઓનલાઇન શિક્ષણ થંભાવી દીધુ હતું. રાજય સરકાર પણ મેદાન સહિત કડક પગલાનો અભિગમ અપનાવતા ફરી ઓનલાઇન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય થયાનો ગણગણાટ શિક્ષણ જગતમાં થઇ રહ્યો છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે એક યાદીમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજયના શિક્ષણ વિભાગના તા. ૧૬-૦૭-ર૦ર૦ના જી.આર. (આદેશપત્ર) દ્વારા સ્વનિર્ભર શાળાઓના સંચાલનમાં આર્થિક સંકટ ઉભું થાય તેવી વાત કરવામાં આવી હતી. તેનાથી સ્વનિર્ભર શાળાઓ આઘાત અનુભવતાં તા. ર૩-૦૭-ર૦ર૦ના રોજ મહામંડળ દ્વારા સમગ્ર ગુજરાતની શાળાઓ સાથે ચર્ચા કરી હતી. અને સમગ્ર સ્વનિર્ભર શાળાઓએ સ્વયંભૂ અનઅધ્યયનની શાંતિપર્ણ રજુઆત કરી હતી. ગાંધીજીના આદર્શો પર ચાલનાર ગુજરાતની શાંતિપ્રિય પ્રજાએ સ્વનિર્ભર શાળાના શાંતિપૂર્ણ આંદોલનને શાંતિપૂર્ણ રીતે સ્વીકાર્યો હતો. સ્વનિર્ભર શાળાઓ પોતાના વાલી મિત્રોને પણ આત્મનિર્ભર માને છે. છેલ્લા બે દિવસમાં ગુજરાતના સમજુ, સમર્થ અને સહકારી વાલી માતા-પિતાઓ એ અમારી શાળાઓને સોશ્યલ મીડીયાના માધ્યમથી અને ટેલિફોનિક રીતે ઓનલાઇન એજયુકેશન શરૂ કરવાની લાગણી સભર માંગણી કરી હતી. સ્વનિર્ભર શાળાઓએ રાજય સરકારના અસંવેદનશીલ જી. આર. ને પરત ખેંચવા અને શિક્ષણ પુનઃ ઓનલાઇન થાય તેવી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં તા. ર૪-૦૭-ર૦ર૦ના રોજ રીટ પીટીશન દાખલ કરેલ છે તેનો માનનીય ન્યાયપાલિકાએ સ્વીકાર કર્યો છે. તેથી ગુજરાતની તમામ સ્વનિર્ભર શાળાઓ બાળકના હિતને ધ્યાનમાં રાખીને ન્યાયપાલિકામાં દાદ માંગી છે.

ગુજરાતની સ્વનિર્ભર શાળાઓમાં લાખો કર્મયોગી કર્મચારીઓ અને સન્નિષ્ઠ શિક્ષકો સાથે ચોક્કસ ન્યાય થશે એવો વિશ્વાસ હોવાથી અમે સૌ એકમત થઇ બાળ માનસ પર આ બાબતની કોઇ અવળી અસર ઉદભવે તે પૂર્વે આગામી તા. ર૭ -૦૭-ર૦ર૦ સોમવારથી ઓનલાઇન શરૂ કરીએ છીએ. સ્વયંભૂ અનઅધ્યયન ના એકતા યજ્ઞમાં જોડનાર ૧૬૦૦૦ જેટલી શાળાનો તમામ સંચાલકશ્રીઓનો આભાર વ્યકત કરીએ છીએ. આ સંવેદનશીલ  બાબતને હકારાત્મક સહકાર આપી લાખો બાળકોના ભવિષ્યની ચિંતા કરી છે. ત્રણ દિવસથી બંધ શિક્ષણ કાર્યને પુતઃ ધબકતુ કરવામાં અસંખ્યા શિક્ષણવિદો, તજજ્ઞો, સાહિત્યકારોએ અને પત્રકારશ્રીઓએ પૂર્ણ સ્વનિર્ભર શાળાઓની વ્યથાને વાચા આપી છે. તેમનો પણ આભાર વ્યકત કરે છે. તેમ એક યાદીમાં મહામંડળે જણાવ્યું છે.

(11:38 am IST)