ગુજરાત
News of Monday, 27th July 2020

ખેરગામના ભૈરવી ગામે શનિદેવ મંદીર નજીક ચાલીસ ફૂટ ઊંડી કોતરમાં દૂધનો ટેન્કર ખાબક્યો : ચાલક નું મોત : આશરે 9 લાખનું દૂધ બરબાદ

વહેલી સવારે થયેલા અકસ્માતના પગલે આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા

(કાર્તિક બાવીશી દ્વારા ) નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ભૈરવી ગામે પ્રસિદ્ધ શનિદેવ મંદિરની નજીકના સાંકડા પુલ પરથી  દૂધ ભરીને સુરત જઈ રહેલ એક ટેન્કર પલટી મારી જતા ટેન્કર આશરે ચાલીસ ફૂટ નીચે કોતરમાં ખાબકી હતી.અકસ્માત માં ઘટના સ્થળે જ ચાલક નું મોત થયું હતું

  સવારે છ વાગ્યે મહારાષ્ટ્રથી 18000 લિટર દૂધ ભરીને સુરત જઈ રહેલ ટેન્કર{ g j 21 tt 7980} ને ખેરગામ તાલુકાના ભૈરવી ગામે શનિદેવ મંદિર પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમા ટેન્કર ચાલક સીતારામ રામસ્નેહી પાલ (ઉ.વ.20 ) નું કરુણ મોત નીપજ્યું હતું  ભૈરવી ગામે આવેલા શનિદેવ મંદિર પાસેના રાજ્ય ધોરી માર્ગ ઉપરથી આજે સવારે સવા છની આસપાસ  ચાલકે ગાડી હંકારી લાવી બેરીકેડના લીધે વળાંક લેતા સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા સાંકડા કોતરપુલની ડાબી દિવાલે અથડાતા તરત જમણી બાજુ વળાંક લઇ સીધું નહીં કરી શકતા જમણી બાજુની દીવાલ તોડી ટેન્કર ઊંડી કોતરમાં ૪૦ ફૂટ નીચે ખાબકયું હતું જેમાં ૧૮ હજાર લિટર દૂધ હોય ટેન્કરનુ સમતોલન જળવાયું ન હતું જેના લીધે ટેન્કર પલટી ખાઈ ગયુ હતું. ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.ભૈરવી ગામે વહેલી સવારે થયેલા અકસ્માતના પગલે  આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા.ટેન્કરમાં ભરેલું દૂધ પણ બહાર ઢોળાઈ જતા નવેક લાખના દૂધનો નાશ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે ઘટનાની જાણ ખેરગામ પોલીસને થતા પીએસઆઈ ગૌરવ પટેલ સહિત પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.આ ઘટના અંગે ગણેશ સિસોદ્રાના સંતોષ બિન્દેશ્વરી વર્માએ ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ આપતા આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે

(11:16 am IST)