ગુજરાત
News of Monday, 27th July 2020

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું ઓપરેશન શરૂ : દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ ભાજપમાં જોડાશે

સોમવારે કમલમ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખની હાજરીમાં તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.

સુરત : નવસારીના સાંસદ સી.આર. પાટીલને ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભાજપ સામે પડેલા આગેવાનોના ઓપરેશન શરૂ કર્યા છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ એન.પટેલ(દેલાડ) આવતીકાલે સોમવારે અમદાવાદ કમલમ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.

જયેશ પટેલ છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના મુદ્દે ભાજપને ઘેરી રહ્યા હતા સાથો સાથ સુમુલ ડેરીની ચૂંટણીમાં પણ જયેશ દેલાડ ભાજપને નડી શકે તેમ હતા. ભૂતકાળમાં સુમુલ ડેરીના ચેરમેન, અને પુરષોત્તમ ફાર્મર્સ જિન સહકારી મંડળીના પ્રમુખ સહિત અનેક સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા જયેશ દેલાડને ભાજપમાં જોડવા ભાજપના બંને જૂથો ગણપત વસાવા, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, સુમુલના ચેરમેન રાજુ પાઠક, જિલ્લા ભાજપના મહામંત્રી સંદીપ દેસાઈ, મહેશ વસાવા સહિતના આગેવાનોએ પ્રયાસ કર્યા હતા

 . આજે સુરતમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ભાજપના આગેવાનોએ ઔપચારિક બેઠક યોજી જયેશ દેલાડને ભાજપમાં જોડવા લીલીઝંડી આપી હતી. જયેશ દેલાડે જણાવ્યું હતું કે, ખેડૂતો અને સહકારી ક્ષેત્રના પ્રશ્નો માટે રાજ્ય સરકાર સાથે સીધો સંવાદ કરી ઉકેલી શકાશે તેવી ખાતરી આગેવાનો દ્વારા મળતા આવતીકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું છે

(11:47 pm IST)