ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલના પોસ્ટરમાં શાહી લગાડવાના મામલે એકની ધરપકડ : પાંચ પાસના કાર્યકરોની શોધખોળ
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ કાર્યવાહી કરી
સુરત : ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના સ્વાગતમાં લગાવવામાં આવેલા પોસ્ટર પર શાહી લગાડવાના મામલામાં પોલીસે પાસના ૬ કાર્યકરો સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી છે જયારે ૫ કાર્યકરોની હજુ સુધી ધરપકડ કરાઈ નથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ કાર્યવાહી કરી હતી.
ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના સ્વાગતમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં બેનરો લગાડવામાં આવ્યા હતા. આ બેનરો પર કાળી શાહી લગાડવામાં આવી હતી. આ ઘટનાને લઈને કાપોદ્રા પોલીસે તપાસ શરુ કરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા અને સીસીટીવી ફૂટેજના આધારે કાપોદ્રા પોલીસે મોડીરાતે બેનરો પર શાહી નાખવા મામલે પાસના કાર્યકરોમાં સંજય માવાણી, મહેશ ઉર્ફે માઇકલ ઠાકરશી વાઘાણી, દેવ પટેલ, નિરવ પાનસુરીયા, અજય ઠુમ્મર, તથા અન્ય એક સામે ગુનો નોંધ્યો છે. 6 પાસ કાર્યકરોએ કાપોદ્રામાં એક બેનર પર 23મીએ રાત્રે શાહી ફેંકી હતી. સરથાણામાં જે બેનરો પર શાહી ફેંકાઈ તેમાં આજ કાર્યકરોની સંડોવણી છે કે, કેમ તેની ફુટેજ આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે અન્ય 5ને શોધવા માટે કવાયત શરૂ કરી છે.