ગુજરાત
News of Monday, 27th July 2020

GMDC મેદાનમાં ક્રિકેટ રમતા સામે જાહેરનામા ભંગના પગલા

પોલીસ પેટ્રોલિંગ પણ કર્યું પરંતુ બેદરકારી દાખવી : શનિવાર-રવિવારે ક્રિકેટ રમવા ભેગા થાય છે : રવિવારે ૨૦૦થી વધુ ક્રિકેટ રસિક ક્રિકેટ મેચ રમતા દેખાયા હતા

અમદાવાદ, તા. ૨૬ : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે થોડા દિવસ પહેલા લોકો પૂજા કરવા ભેગા થયા હતા. મીડિયામાં અહેવાલ બાદ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો. ત્યારે હવે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે રવિવારના દિવસે ક્રિકેટ મેચ રમવા કેટલાક યુવકો ભેગા થયા હતા.  આ ક્રિકેટ રસિકોમાં સોશ્યલ ડિસ્ટન્સ જોવા મળ્યું નહિ અને માસ્ક પણ પહેર્યા વગર જ ટોળામાં ક્રિકેટ રમી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે શનિવાર અને રવિવારે વહેલી સવારથી ક્રિકેટ રમવા ભેગા થાય છે. ત્યારે રવિવારે ૨૦૦થી વધુ ક્રિકેટ રસિકો ક્રિકેટ મેચ રમતા દેખાયા હતા. છતાં પોલીસે આ બાબતને બેધ્યાન કરી હતી. પોલીસે પેટ્રોલિંગ પણ કર્યું હતું, પણ ક્રિકેટ રમતા યુવકોને ત્યાંથી ખસેડવામા આવ્યા ન હતા. હાલમાં રાજ્યભરમાં કોરોના કેસનો આંકડો સતત વધી રહ્યો છે.

            ત્યારે સંક્રમણ વધે તો તેની પાછળ જવાબદાર કોણ?  જોકે મીડિયામાં એહવાલ પ્રસારિત થતા જ પોલીસ ઊંઘમાંથી જાગી હતી અને પાંચેક જેટલી ગાડીઓ GMDC ગ્રાઉન્ડમાં પહોંચી આવી હતી. પોલીસ આવતા જ યુવકોમાં ભાગદોડ મચી હતી. પોલીસ કાર્યવાહીને પગલે કેટલાય લોકો વાહનો લઈને પટકાયા હતા. તો ગણતરીની મિનિટોમાં જ ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું હતું. જોકે આ પરિસ્થિતિ પાછળ જવાબદાર માત્ર AMC અને પોલીસ જ છે. ઘટના અંગે પોલીસને કંટ્રોલ મેસેજના આધાર પર ચારથી પાંચ શખ્સો વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

(9:51 pm IST)