ગુજરાત
News of Monday, 27th June 2022

ગુજરાત રાજયમાં પ દિવસ મેઘમહેર યથાવત રહેવાની હવામાન ખાતાની આગાહી : અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્‍ટમ સક્રિય બની : ભારે અતિ ભારે વરસાદની આગાહી

હજુ જુન મહિનાનો ૪૬ ટકા વરસાદ બાકી છે

રાજ્યમાં આગામી 5 દિવસ મેઘમહેર યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી  કરી છે કે, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 28 અને 29 જૂને સામાન્ય વરસાદ રહ્યા બાદ 30 જૂન અને 1 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ પડશે. રથયાત્રાના દિવસે રાજ્યમાં સાર્વત્રિક મેઘકૃપા વરસશે.

દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, મહીસાગર અને ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આવતીકાલથી 1 જુલાઈ સુધી વરસાદ વરસશે. રાજ્યમાં જૂન મહિનામાં પોણા બે ઇંચ વરસાદ સાથે 54 ટકા વરસાદ નોંધાયો. એટલે કે હજુ જૂન મહિનાનો 46 ટકા વરસાદ બાકી છે.

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના આહવા, વઘઇ, સાપુતારામાં ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે ડાંગના અનેક ધોધ સક્રીય થઈ ગયા છે. જ્યારે બીજી બાજુ અમદાવાદમાં ગઈકાલે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે અમદાવાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામાન્ય છે. જો કે આ બધા વચ્ચે કોર્પોરેશને ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેની ચોક્કસ માહિતી મેળવવા રેન ગેજ મશીનો લગાવ્યા છે. સમગ્ર શહેરમાં કુલ 25 રેન ગેજ મશીનો લાગેલા છે. આ રેન ગેજ મશીનો ઓટોમેટિક છે. જેનાથી દર કલાકે AMCના અધિકારીઓને વિસ્તાર પ્રમાણે વરસાદની માહિતી મળી રહે છે. જેનાથી વધુ વરસાદવાળા વિસ્તારમાં પગલા લેવાની ખબર પડે છે.

(11:32 pm IST)