ગુજરાત
News of Monday, 27th June 2022

કારમાંથી ૧પ લાખ રૂપિયાની ચોરીની ઘટના અમદાવાદના ઓઢવ વિસ્તારમા બની : વેપારી કારમાં ઓફિસ જતો હતો ત્યારે બે જુદી જુદી બાઇકમાં આવેલા ત્રણયે કાર રોકાવી ચોરી કરી હતી

ત્રણ શખ્સોએ કારમાંથી ૧પ લાખની ચોરી કરી હોવાની ઘટના બની છે

અમદાવાદ : શહેરનાં ઓઢવ વિસ્તારમાં કારમાંથી 15 લાખ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. વેપારી કારમાં પોતાની ઓફિસ જતો હતો ત્યારે બે અલગ અલગ બાઈક પર આવેલા ત્રણ શખ્શોએ કાર ઊભી રખાવી ચોરી કરી હતી. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જાણે પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ દસ જ દિવસમાં બીજી વખત લૂંટ અને ચોરીની ઘટના સામે આવી છે.

થોડા દિવસ પહેલા આંગડિયા પેઢી માં 53 લાખની લૂંટ થઈ હતી જ્યારે આજે રસ્તા પર કારને ઉભી રાખી ત્રણ શખ્શોએ કારમાંથી 15 લાખની ચોરી કરી હોવાની ઘટના બની છે.

ઓઢવના કઠવાડા જીઆઈડીસી વિસ્તારમાં અક્ષર ઇન્ટરનેશનલ મેટલ કાસ્ટીંગ ધરાવતા હાર્દિક જેઠવા નામનાં વેપારી આજે બપોરે બાપુનગર બેંક માંથી રૂપિયા ઉપાડીને કારમાં તેમની ઓફિસ જઈ રહ્યા હતા. તે દરમિયાન વિરાટનગર ગાંધી પાર્ક સોસાયટી નજીક એક બાઈક ચાલકે તેમને રોક્યા હતા અને પહેલા કારની ડાબી બાજુથી કાર ચાલક સાથે વાતચીત કરવા પ્રયત્નો કર્યો જેથી કાર ચાલકે ડાબી બાજુની કારનો કાચ ખોલ્યો. જે બાદ તે વ્યક્તિ કાર ચાલકની સાઈડમાં આવ્યો અને અકસ્માત કેમ કર્યો છે તેમ કહી કાર ચાલક સાથે વાતચીત કરવા લાગ્યો તે દરમ્યાન કારની ડાબી બાજુના ખુલ્લા કાચ માંથી અન્ય બાઈક પર આવેલા બે શખ્શો 15 લાખ ભરેલી બેગ લઇ નાસી ગયા હતા.

સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવા માટે ના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસને ચોરીની ઘટના જોતા પ્રથમ દૃષ્ટિએ છારા ગેંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસે અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આગળની તપાસ હાથ ધરી છે.

(10:51 pm IST)