ગુજરાત
News of Monday, 27th June 2022

બારડોલીમાં સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ :અનાજનો જથ્થો ઓછો અપાતો હોવાની ફરિયાદ

માતા ફળિયા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનનાં સંચાલક દ્વારા ગોબાચારી: લોકોએ મામલતદાર સમક્ષ આક્રોશ ઠાલવ્યો

સુરતના બારડોલી નગરમાં સામે આવ્યો છે. બારડોલીમાં સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા અનાજ ઓછું આપવામા આવતા વિવાદ ઉભો થયો છે. અહીંના રેશનકાર્ડ ધારક ગરીબ વર્ગના લોકોને અનાજ ઓછું આપવામા આવતા લોકોએ રાશનની દુકાને હલ્લાબોલ કર્યું હતુ. જેમાં રાશનકાર્ડ ધરાવતા લોકોને મળવાપાત્ર અનાજ કરતા ઓછા અનાજનો જથ્થો આપવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.

રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રાહતદરે સરકારી અનાજનો જથ્થો મળી રહે તે હેતુથી નેશનલ ફુડ સિક્યુરિટી એક્ટ ઘડી અમલમાં મુકાયો હતો. જેમાં સાચા લાભાર્થીઓને સરકારી અનાજ મળી રહે તે માટે વિશેષ કાળજી લેવા સરકારી તંત્રને તાકીદ કરાઈ હતી. જો કે ઘણા સ્થળોએ અનાજનો લાભ લેવા ઈચ્છતા લાભાર્થીઓ સુધી આ અનાજ પહોંચતુ નથી. બારડોલીમાં આવા એકલ દોકલ નહીં પણ અસંખ્ય લોકો આ ફરિયાદને લઈને સામે આવ્યા હતા. જેમાં 400થી વધુ કાર્ડ ધારકોને દર મહિને અનાજ ઓછું આપવામા આવતું હોવાથી લોકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. બારડોલી નગરના માતા ફળિયા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનનાં સંચાલક દ્વારા કરવામાં આવી ગોબાચારી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

લોકોએ મામલતદાર પાસે જઈને આક્રોશ સાથે રજૂઆતો કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી એમને જે અનાજ મળવું જોઈએ, તેના કરતા ઓછું અનાજ મળી રહ્યું છે. આ માટે રાશનકાર્ડ ધારકને પૂછવામાં આવતા તે સંતોષકારક જવાબ આપતો નથી અને લોકોને એવું કહે છે કે સરકારી અનાજનો જથ્થો જ ઓછો આવી રહ્યો છે. તેની સામે સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે તે લોકોના અનાજનો જથ્થો સગેવગે કરતો હોવાની તેઓને શંકા છે. જેથી સ્થાનિક નગર સેવકની આગેવાનીમાં મામલતદારને આ સમગ્ર મામલે લેખિતમાં કરવામાં આવી રજુઆત કરવામાં આવી હતી.

લોકોની ફરિયાદ સાંભળીને મામલતદાર દ્વારા ન્યાયિક તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે. જો આ મામલે લોકોની ફરિયાદનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો મામલતદાર દ્વારા રાશનકાર્ડ સંચાલકનું લાયસન્સ રદ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

(7:41 pm IST)