ગુજરાત
News of Monday, 27th June 2022

વડોદરા:ટ્રેનમાં મુસાફરી દરમ્યાન અજાણ્યો ગઠિયો મુસાફર સાથે ઝપાઝપી કરી મોબાઈલ આંચકી રફુચક્કર

વડોદરા: ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોના મોબાઇલ ફોન સહિતનો કિંમતી સામાન ચોરી થવાના કિસ્સા દિન-પ્રતિદિન સામે આવતા મુસાફરોની સુરક્ષા સામે સવાલો ઊભા થાય છે. તેવામાં તિરુનવેલી એક્સપ્રેસ ટ્રેનમાં અજાણ્યો ગઠિયો મુસાફર સાથે ઝપાઝપી કરી મોબાઇલ ફોનની લૂંટ ચલાવતા વડોદરા રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ તમિલનાડુના વતની અને હાલ ગાંધીધામ ખાતે રહેતા જે.કે.થંભીદુરાઈ તિરુનવેલી જવા તિરુનવેલી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન વડોદરા સ્ટેશન યાર્ડ પાસે ધીમી ગતિએ પસાર થતા એક અજાણ્યા ઈસમે ફરિયાદીએ ચાર્જિંગમાં રાખેલ મોબાઈલફોન ચોરી નાસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સતર્ક ફરિયાદીએ પીછો કરી મોબાઈલ ચોરને ઝડપી પાડયો હતો. બંને વચ્ચે ઝપાઝપી બાદ અંતે ગઠિયો 55 હજારની કિંમત ધરાવતો મોબાઇલ ફોન ચોરી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ફરિયાદના આધારે વડોદરા રેલવે પોલીસે અજાણ્યા ગઠીયા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાક્રમ ઉપરથી સબ સલામતનો દાવો કરતા રેલવે અને પોલીસ પ્રશાસન સામે મુસાફરોની સુરક્ષા મુદ્દે સવાલો હજુ ઉભા છે.

 

(6:23 pm IST)