ગુજરાત
News of Monday, 27th June 2022

ગાંધીનગર શહેર નજીક આવેલ વસાહતમાં કાપડના વેપારીના ઘરમાં કામ કરવા આવેલ બે બહેનોએ આઠ લાખની તસ્કરી કરતા પોલીસ ફરિયાદ

ગાંઘીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા સુઘડની સ્કાય ફોરેસ્ટ વસાહતમાં કાપડના વેપારીના ઘરમાંથી કામ કરવા માટે આવેલી બે બહેનોએ જ હાથ સાફ કર્યો હોવાનું બહાર આવ્યું છે તિજોરીમાંથી પોણા આઠ લાખ રૃપિયાના સોનાના દાગીના ચોરીને ફરાર થઇ ગઇ છે. શોધખોળના અંતે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને બન્નેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

થોડા દિવસ અગાઉ શહેરના કોટેશ્વરમાં રાજસ્થાનથી આવેલા બે ઘરઘાટી દ્વારા સત્તર લાખ ઉપરાંતની માલમત્તા ઘરમાંથી ચોરી જવાની ઘટના બની હતી ત્યારે આવો વધુ એક બનાવ સુઘડ ગામની સીમમાં આવેલી સ્કાય ફોરેસ્ટ વસાહતમાં બનવા પામ્યો છે. અમદાવાદના રેવડીબજાર ખાતે કાપડનો વેપાર કરતા સુનિલ શ્યામલાલ ગેહાનીના મકાનમાં બે કામવાળી બહેનો દ્વારા ચોરી કરવામાં આવી હતી. આ અંગે તેમની પત્ની કાવ્યાબેને ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ઘરે રોજીંદુ કામ કરતા બહેન ત્રણ દિવસની રજા ઉપર જતા પાડોશમાં રહેતા વિનીતાબેને કોઇ કામવાળા બહેન હોય તો કહેવા જણાવ્યું હતું જેથી તેમણે વર્ષા અને લતા નામની બે બહેનોને ગત મંગળવારે ઘરે મોકલી હતી પરંતુ ઘરનું કામ પુર્ણ થઇ ગયું હોવાથી બીજા દિવસે એટલે કે, બુધવારે તેમને આવવા કર્યું હતું બન્ને બહેનો ઘરમાં બપોરે આવી પહોંચી હતી તે દરમિયાન લતા ગર્ભવતી હોવાથી કાવ્યાબેન સાથે વાતો કરી રહી હતી અને વર્ષા તેમના બેડરૃમમાં સફાઇ કરી રહી હતી ત્યાર બાદ તેમના સાસુ શાળાએથી તેમની દિકરીને લઇ આવતા કાવ્યાબેન તેણીને ફ્રેસ કરવા બાથરૃમમાં લઇ ગયા હતા આ જ સમયે બન્ને બહેનો કામ પુર્ણ થયું હોવાનું કહીને નિકળી ગઇ હતી. જો કે, શુક્રવારે ઘરમાં પ્રસંગ હોવાથી દાગીનાની જરૃર પડતા તિજોરી ખોલી હતી પરંતુ તેમાં રહેતા અલગ અલગ ભાતના ૭.૭૫ લાખના દાગીના જણાયા ન હતા જેથી કામ ઉપર નહીં આવેલી અને મહેનતાણું પણ લેવા નહીં રોકાયેલી આ બે બહેનોએ ચોરી કરી હોવાનો અંદાજ આવ્યો હતો. હાલ તો અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને બન્નેની શોધખોળ શરૃ કરી છે.  

(6:18 pm IST)