ગુજરાત
News of Monday, 27th June 2022

ગાંધીનગરના ખ માર્ગ પર મોપેડ લઈને જઈ રહેલ બે મિત્રોને ટ્રેકટર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાથી બંને મિત્રોના ઘટનાસ્થળેજ મોત

ગાંઘીનગર : ગાંધીનગર શહેરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઇકાલે મોડી રાત્રે શહેરના ખ માર્ગ ઉપર પ્રમુખનગર ચાર રસ્તા પાસે મોપેડ ઉપર જઇ રહેલા બે મિત્રોને અડફેટે લઇને ટ્રેલરનો ચાલક ફરાર થઇ ગયો હતો આ ગંભીર અકસ્માતમાં ઘાયલ થયેલા બન્ને મિત્રોનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું આ મામલે સેક્ટર-૭ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ગાંધીનગરના પહોળા રાજમોર્ગો જીવલેણ બની રહ્યા છે. તેમાં પણ ચ તથા ખ માર્ગ ઉપર પુરપાટ ઝડપે વાહનો જતા હોવાને કારણે આ બન્ને માર્ગો ઉપર અન્ય માર્ગોની સાપેક્ષમાં ગમખ્વાર અકસ્માતો વધુ થાય છે. તેમાં પણ છેલ્લા ઘણા વખતથી હિટ એન્ડ રનની ઘટનાઓ પણ વધી રહી છે તેવી સ્થિતિમાં ગઇકાલે રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં બે યુવાન મિત્રોના મોત નિપજ્યા છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના સેક્ટર-૧૬માં આવેલી છ ટાઇપ વસાહતમાં બ્લોક નં.૧૩૪-૩માં રહેતો યુવાન જૈનિલસિંહ શૈલેન્દ્રસિંહ ચાવડા અને તેનો મિત્ર ભાર્ગવ હર્ષદભાઇ ચૌહાણ રહે.સેક્ટર-૩ડી પ્લોટ નં.૧૦૬૮-૨ સરગાસણ ખાતે મિત્રની બર્થડે પાર્ટીમાં ગયા હતા અને ત્યાંથી રાત્રે પરત ફરી રહ્યા હતા ત્યારે ખ માર્ગ ઉપર પ્રમુખ નગર ચાર રસ્તા પાસે પુરઝડપેજતા ટ્રેલરે તેમના મોપેડને અડફેટે લીધું હતું જેના કારણે બન્ને મિત્રો રોડ ઉપર પડકાયાં હતા અને શરીરે ગંભીર ઇજાઓને કારણે તેમના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા અકસ્માત સર્જીને ટ્રેલર લઇને તેનો ચાલક નાશી છુટયો હતો આ મામલે સેક્ટર-૭ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

(6:17 pm IST)