ગુજરાત
News of Monday, 27th June 2022

જો દિલ્‍હીની ‘આપ' સરકાર ફ્રીમાં વિજળી આપી સરકાર ચલાવી રહી હોય તો ગુજરાતમાં કેમ નહિં?

મનસુખભાઈ વસાવાને ઈન્‍દ્રનીલ રાજયગુરૂનો વેધક સવાલ

રાજકોટ : આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂએ ભાજપના સાંસદ મનસુખ વસાવાના નિવેદન પર વિડિઓ દ્વારા પ્રતિક્રિયા આપતા કહ્યું કે, લોકો દ્વારા ચૂંટાયેલા ભાજપના સાંસદ જે એક જવાબદાર પદવી પર છે તેમનું કહેવું છે કે લોકોને વીજળી મફત ના આપી શકાય. એમને અમે પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે ધારાસભ્‍યો થી માંડીને દરેક મંત્રીઓ સુધી બધાને સરકાર દ્વારા જે મફત વીજળી આપવામાં આવે છે તે કેમનું પોસાય છે? તે કેમનું યોગ્‍ય છે?

મફત વીજળી જે આમ આદમી નો ફક્‍ત અધિકાર જ નહિ પણ જરૂરિયાત થઇ ગઈ છે તે વીજળી સૌથી મોંઘા ભાવે લોકોને આપો છો. વીજળી ઉત્‍પાદન માં ભ્રષ્ટાચાર કરવા માટે સરકારી ઉત્‍પાદન કેન્‍દ્રો બંધ કરીને ખાનગી ઉત્‍પાદન કેન્‍દ્રો ને પ્રોત્‍સાહન આપી તેમની પાસે થી વીજળી ખરીદીને, સામાન્‍ય વ્‍યકિતને મોંઘા ભાવે વીજળી આપો છો. હું મનસુખ વસાવાને કહેવા માંગુ છું કે જો આ બધા ભ્રષ્ટાચાર બંધ થાય તો લોકોને મફત વીજળી પણ આપી શકાય. જે દિલ્‍હીની સરકારમાં જનહિત માટે કરી બતાવ્‍યું છે.

મારી ભાજપ સરકારથી વિનંતી છે કે, ગુજરાતના લોકોને મફત વીજળી આપશો તો પણ સરકાર ચાલશે જ. જે કામ આમ આદમી પાર્ટી દ્વારા દિલ્‍હી માં શકય છે તે ગુજરાત માં પણ થઇ શકે છે. મફત વીજળી થી લઈને સારું શિક્ષણ, સારું સ્‍વાસ્‍થ્‍ય અને સુશાસન ગુજરાતના લોકો ને પણ મળી શકે છે તે વાત હવે ગુજરાત ની જનતા પણ બરાબર સમજી ગઈ હોવાનું ઈન્‍દ્રનીલ રાજયગુરૂએ નિવેદનના અંતમાં જણાવ્‍યુ છે.

(4:51 pm IST)