ગુજરાત
News of Monday, 27th June 2022

સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો-પદાધીકારીઓ ઉપર થઇ રહેલા હુમલામાં યોગ્ય કાર્યવાહી કરો

રાજકોટ એકમે રાજયપાલશ્રીને સંબોધી-કલેકટરને આવેદન પાઠવ્યુંઃ ધરણા કર્યા

આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૭ઃ આમ આદમી પાર્ટી રાજકોટ એકમે રાજયપાલને સંબોધી કલેકટરને આવેદન પાઠવી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ ઉપર થઇ રહેલા હુમલામાં યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, છેલ્લા બે વર્ષથી આમ આદમી પાર્ટી સમગ્ર સુરત શહેરની અંદર લોકહિતની અને જનહિતની કામગીરી કરી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ર૭ કાઉન્સિલરોને ચુંટયા પછી સતત લોક પ્રશ્નો સાંભળવા માટે અને લોકોની તકલીફોના નિવારણ માટે લોકોની વચ્ચે જવું પડતું હોય છે. તેમજ સતાધારી પક્ષ દ્વારા ખોટા કામોનો શાંતિપૂર્ણ વિરોધ કરી પ્રજા સમક્ષ ઉજાગર કરવાની એ નૈતિક જવાબદારી છે અને જેના ભાગરૃપે સતાધારી પક્ષ દ્વારા નાણા અને સતાનો દુર ઉપયોગ અને ખોટા તાયફા કરી લોકોમાં ભ્રમ ઉભો કરતા હોય કે લોકઉપયોગી કામો સતાધારી પક્ષની અણઆવડતે કારણે બાકી રહી જાય હોય તો તેની સકારાત્મક રજૂઆત કરવી લોકોની વચ્ચે જઇને એમની વાત કરવી એ વિરોધ પક્ષ તરીકેનો કલમ ૧૯/૧/બી મુજબ બંધારણીય અધિકાર છે. જે આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે કરી રહી છે. પરંતુ અવારનવાર આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરશ્રીઓ અને પદાધિકારીઓને સતાધારી પક્ષના અસામાજિક તત્વો દ્વારા કાયદાનો ડર રાખ્યા વિના માર મારવામાં આવી રહ્યો છે જેની સામે પોલીસ સ્ટેશનની અંદર સમયસર ફરિયાદ પણ નોંધાતી નથી અને ફરીયાદ કર્યા પછી આજ દિવસ સુધી કોઇ નકકર કામગીરી કરવામાં આવતી નથી.

જે દુઃખદ અને ખોટી વાત છે આપશ્રીને બંધારણીય કલમ ૧૯/૧/સી મુજબ નોંધાયેલ રાષ્ટ્રીય અને પ્રાદેશીક જવાબદાર રાજકીય પક્ષ તરીકે જણાવી રહ્યા છીએ કે, જો આવી ઘટના ચાલુ રહેશે તો આ શહેરની અંદર કાયદો વ્યવસ્થા પણ ખોરવાઇ અને લોકોને પોલીસ પ્રશાસન પરથી વિશ્વાસ ઉઠી જાય. આવું ન થાય એ બાબતે યોગ્ય તકેદારી કરાવી અને હુમલાઓ થતા અટકાવવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે.

(3:43 pm IST)