ગુજરાત
News of Monday, 27th June 2022

મુસ્‍લીમોની માલિકીની સંપતિ પર બુલડોઝર ફેરવવું એ હિંદુત્‍વ નથીઃ શંકરસિંહ વાઘેલા

સંઘના સ્‍વયંસેવક જનસંઘના કાર્યકર અને ભાજપાના સ્‍થાપક સભ્‍ય રહી ચૂકયા છેઃ શંકરસિંહ

ગાંધીનગર, તા.૨૭: સંઘના ભૂતપૂર્વ સ્‍વયંસેવક, જનસંઘના કાર્યકર અને ભાજપાના સ્‍થાપક સભ્‍ય, પીઢ રાજકીય નેતા શંકરસિંહ વાઘેલાએ એક વિડીયોમાં કહ્યુ હતુ કે મુસ્‍લીમો સામે હિંસા અથવા તો તેમની માલિકીની સંપતિને બુલડોઝ કરવી તે એક વખતના હિંદુત્‍વ સાથે ના સરખાવી શકાય કેમ કે હિંદુત્‍વમાં કોઇ પ્રકારની હિંસા માટે સ્‍થાન નથી.

ભાજપામાંથી છુટા પડયા પહેલા એક વડાપ્રધાન મોદીના સહયોગી એવા વાઘેલા કિશોર વયે આરએસએસમાં જોડાયા હતા. ૧૯૭૧માં તેઓ જનસંઘમાં ગયા અને ગુજરાત એકમના મહામંત્રી પણ બન્‍યા.

૧૯૭૭માં તેઓ છઠ્ઠી લોકસભામાં ચુંટાયા અને ત્‍યારે જનસંઘના તમામ સભ્‍યો સત્તાધારી જનતા પક્ષમાં વિલીન થયા હતા. શંકરસિંહ આ જનતા પક્ષના રાજય એકમના ઉપાધ્‍યક્ષ હતા. ૧૯૮૦માં ભારતીય જનતા પક્ષની રચના પછી તેમણે પક્ષના ગુજરાત એકમના મહામંત્રી અને પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી.

પોતાના અંગત વાહન અથવા તો પબ્‍લીક ટ્રાન્‍સપોર્ટનો ઉપયોગ કરીને તેમણે વ્‍યકિતગત રીતે ગુજરાતના ૧૫૦૦૦ થી વધારે ગામડાઓની મુલાકાત લીધી કે ગામના ચોકમાં સૂઇ રહેતા આવી રીતે તેમણે લોકો સુધી સંઘની અને જનસંઘની ફિલસૂફી પહોંચાડી હતી.

૧૯૮૫માં જયારે મોદીને પક્ષના જનરલ સેક્રેટરી (સંગઠન) તરીકે રાજયમાં નિયુકત કરાયા ત્‍યારે વાઘેલા અને મોદીએ સાથે મળીને કામ કર્યુ હતુ પણ ૧૯૯૫ની ચુંટણીમાં બંને વચ્‍ચે મતભેદો ઉભા થયા હતા. તે પછી મોદીએ વાઘેલાની જગ્‍યાએ કેશુભાઇને મુખ્‍યપ્રધાન તરીકે પસંદ કર્યા હતા.

જો કે ભાજપા છોડયા પછી વાઘેલા ૧૯૯૬-૯૭માં એક વર્ષ માટે મુખ્‍યપ્રધાન બન્‍યા હતા. પક્ષના સુત્રો અનુસાર ૧૯૯૫માં તેમનો બળવો કેશુભાઇ પટેલ કે તેમની સરકાર સામે નહીં પણ મોદીની કાર્યશૈલી અને સરકારમાં દખલગીરી સામે હતો.

ભૂતકાળમાં વાઘેલા હળવાશથી પૂછતા કે ભાજપા શું ૧૭ કરોડ મુસ્‍લીમોને દરિયામાં ફેંકી દેશે. તેમણે કહ્યું કે મુસ્‍લિમો પર હુમલો કરવો એ ઉકેલ નથી. તેમના દિલ જીતીને મુખ્‍ય પ્રવાહમાં લાવવા, તેમને ફરીથી હિંદુ બનાવવા એ ઉકેલ છ.ે તેમણે કહ્યું કે તેઓ ૧૭ કરોડ મુસ્‍લીમોને સહન ના કરી શકે તો અખંડ હિંદુસ્‍તાનનું સ્‍વપ્‍ન કેવી રીતે જોઇ શકે. અખંડ હિંદુસ્‍તાન કયારેય શકય નથી.

(1:24 pm IST)