ગુજરાત
News of Monday, 27th June 2022

રાજપીપળાની વીર શ્યામજી કૃષ્ણ વર્મા શાળા નંબર 4 માં શાળા પ્રવેશ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાની વીર શ્યામજી કૃષ્ણ વર્મા શાળા નંબર 4 માં શૈક્ષણિક કીટ આપી પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો . સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં તારીખ ૨૩ થી ૨૫ જૂન ૨૦૨૨ સુધી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ થઈ રહ્યો છે ત્યારે ધોરણ ૧ ના બાળકોને શાળામાં વાજતે ગાજતે પ્રવેશ આપવા નાંદોદ તાલુકાના રાજપીપળાની વીર શ્યામજી કૃષ્ણ વર્મા શાળા નંબર 4 માં શાળા પ્રવેશ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો .
પ્રવેશોત્સવ મુખ્ય મહેમાન તરીકે બીટ નિરીક્ષક પંકજ ભાઈ પાદરીયા અને લાયઝન ઓફિસર કાંતિભાઈ પરમાર તેમજ નગર પાલિકા સદસ્ય મીરાબેન એસ.એમ. સી અધ્યક્ષ અને અન્ય સભ્યો ઉપસ્થિત રહી બાળકોને પ્રવેશ અપાવ્યો હતો . કાર્યક્રમમાં ધોરણ એક માં પ્રવેશ મેળવનાર બાળકોને વિવિધ શૈક્ષણિક કીટ જેમાં બેગ , બોટલ , નોટબુક્સ , પુસ્તકો વગેરે આપી બાળકોને ઉત્સાહભેર ધોરણ એક માં પ્રવેશ આપવામાં આવ્યો હતો . સાથે સાથે ધોરણ 6 ના બાળકો ને સ્કૂલ બેગ નોટ બુક આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો . ધોરણ ૩ થી ૮ માં પ્રથમ ક્રમ મેળવનાર બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા . શાળાના આચાર્ય  કલ્પેશભાઈ મહાજને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો . સાથે બાળકોને તિથિ ભોજન પણ કરાવવામાં આવ્યું હતું . પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે તે માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું . સમગ્ર કાર્યક્રમનું સંચાલન બે વિધાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું . જેમને વસાવા નિમિષા બેને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું . તેમજ શાળાના તમામ બાળકોને નોટબુક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા .

(10:45 pm IST)