ગુજરાત
News of Monday, 27th June 2022

ફુલવાડી ગામે સીમમા ચરતી બે ભેંસ અને એક ગાય પર વીજળીના તાર પડતા મોત : પશુઓ ચરાવવા ગયેલ યુવાનનો થયો બચાવ

એક સાથે ત્રણ ત્રણ પશુઓ ના મોત નીપજતાં વીજ કંપનીના અધિકારીઓ સહીત પશુપાલન વિભાગ અને પોલીસ વિભાગ દોડતું થયું: પશુપાલકને વળતર ચૂકવવાની કામગીરી વીજ કંપની કરશે -- વેટનરી ડોક્ટર સૈયદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ફુલવાડી ગામે વીજ કંપનીના વીજ સપ્લાય કરતી લાઇન ના કેબલ તૂટતાં ત્રણ પશુઓના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર ફુલવાડી ગામે ખાતે રહેતા તડવી કનુભાઈ રણછોડ ભાઇના પશુઓ જેમાં બે ભેંસ અને એક ગાયનો સમાવેશ થાય છે તે લયીને એક યુવાન ચરાવવા માટે સીમ તરફ નીકળ્યો હતો ત્યારે પશુઓ ઘાસચારો ચરતા હતા ત્યારે અચાનક જ પાસેથી પસાર થતી વીજ લાઇનના કેબલ તૂટયા હતા, અને ત્રણેય પશુઓને અડફેટે લેતાં પશુઓ ના સ્થળ પર જ મોત નીપજ્યા હતા, પશુઓ ચરાવવા માટે સીમ મા ગયેલ યુવાનને પણ વીજ કરંટ લાગ્યો હતો અને દુર સુઘી ફંગોળાયો હતો, જોકે તેનો આબાદ બચાવ થયો હતો.
 આ બનાવની જાણ ગ્રામજનોને થતાં પશુપાલક સહિત ના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. બનાવ ની જાણ વીજ કંપનીનાં ઇજનેર ટંડેલ સહિત પશુપાલન વિભાગ અને પોલીસ વિભાગ ને થતાં તેમની ટીમો અકસ્માત સ્થળે દોડી આવી હતી. વીજ કંપની દ્વારા તુટેલી લાઇન દુરસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યારે પશુપાલન વિભાગ દ્વારા મૃત પશુઓના પોસ્ટ મોર્ટમ કરાયા હતા ,આ મામલે વેટનારી ડોક્ટર સૈયદએ જણાવ્યું હતું કે આ મામલામાં વીજ કંપની દ્વારા પશુપાલકને વળતર ચૂકવવામાં આવશે.

(10:39 pm IST)