ગુજરાત
News of Friday, 27th May 2022

અમદાવાદના નારોલના વેદિકા એપાર્ટમેન્ટમાં કેન્સરની બીમારીથી પીડાતા આધેડે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરતા ચકચાર મચી જવા પામ્યો

અમદાવાદ: નારોલના વેદિકા એપાર્ટમેન્ટમાં કેન્સરની બીમારીથી પીડાતા આધેડ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધાની ઘટના બની છે. ગુરૂવારે સવારે 6 વાગ્યે કામે ગયેલા પતિની પત્ની રાહ જોતી હતી. દરમિયાન એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પતિની લાશ પડી હોવાની વિગતો પાડોશી મહિલાએ જણાવી હતી. બનાવ અંગે નારોલ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી મૃતકની લાશને પીએમ અર્થે મોકલી આપી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકે ઝેર પીધાની વાત બહાર આવી છે.

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના સુડવા ગામના વતની અને નારોલ વેદિકા એપાર્ટમેન્ટમાં રહેતા અનિલભાઈ ભીમાભાઈ ધામેચા ઉં.40ની લાશ બેઝમેન્ટમાંથી મળી હતી. બનાવ અંગે નારોલ પોલીસને સવારે 11.49 વાગ્યે અજાણ્યા વ્યક્તિની લાશ પડી હોવાનો મેસેજ મળ્યો હતો. પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા મૃતક વ્યક્તિ અનિલ ધામેચા હોવાની વિગત મળી હતી. બનાવ અંગે પોલીસે મૃતકની પત્ની લક્ષ્મીબહેનનું નિવેદન લીધું હતું. તેઓએ જણાવ્યું હતું કે, અનિલભાઈ કોન્ટ્રેક્ટ લઈ લાઈટ ફિટિંગનું કામ કરતા હતા. ગુરૂવારે સવારે અનિલભાઈ ઘરેથી કામે જવા નીકળ્યા અને પોતે અને પુત્રી ઘરે સુતા હતા. દરમિયાન બપોરે 12 વાગ્યે વેદિકા એપાર્ટમેન્ટમાં રહેતાં પ્રીતિબહેન ઘરે આવ્યા અને મારા પતિની ડેડબોડી બેઝમેન્ટમાં પડયાની વાત તેઓએ કરી હતી. અનિલભાઈને 2018માં કેન્સરની બીમારી થઈ હતી. ત્યારથી તેઓની સારવાર ચાલુ હોવાનું અને પ્રવાહી સિવાય ખાવામાં કઈ લઈ શકતા ન હતા. બીમારીને કારણે તેઓએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું મૃતકની પત્ની લક્ષ્મીબહેને પોલીસને જણાવ્યું હતું.

(6:23 pm IST)