ગુજરાત
News of Friday, 27th May 2022

સમુહલગ્ન બે પરિવારોને નહીં, પરંતુ અનેક પરિવારોને એકસૂત્રથી જોડે છે : આર્થિક રીતે સંપન્ન શ્રેષ્ઠીઓ પોતાના સંતાનોના લગ્ન સમૂહલગ્ન સમારોહમાં કરાવતા થયા છે, જે તમામ વર્ગો માટે દિશાસૂચક : ભૂપેન્દ્રભાઈ પટેલ : સર્વ જાતિના દીકરા-દીકરીઓના લગ્નની જવાબદારી એ લોકોપયોગી સેવાકાર્ય : ધારાસભ્ય રમણલાલ પાટકર

ઉમરગામ તાલુકાના ધોડીપાડા ગામે આયોજિત સમૂહલગ્નોત્સવમાં ૪૨ નવદંપતિઓને આશીર્વચન પાઠવતા મુખ્યમંત્રી :;સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં રાજ્ય સરકાર દ્વારા હંમેશા મદદરૂપ બનવાની ખાતરી આપતા મુખ્યમંત્રી

વલસાડ :તા.૨૭: ''સમુહલગ્ન બે પરિવારોને નહીં, પરંતુ અનેક પરિવારોને એકસૂત્રથી જોડે છે. રાજ્યમાં આ પ્રકારના સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં ગુજરાત સરકાર હંમેશા મદદરૂપ બનશે'', એમ ઉમરગામ તાલુકાના ધોડીપાડા ગામે શ્રી સાંસ્કૃતિક વિકાસ મંડળ- ધોડીપાડા દ્વારા આયોજિત ૬ઠ્ઠા સર્વજાતિ સમૂહલગ્નોત્સવમાં ૪૨ નવદંપતિઓને આશીર્વચન પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. ધોડીપાડાના સાંસ્કૃતિક વિકાસ હોલ ખાતે આયોજિત સમૂહલગ્નમાં મુખ્યમંત્રીશ્રીએ તમામ નવદંપતિઓને સુખમય દામ્પત્યજીવનની શુભકામનાઓ પાઠવી હતી. 

                મુખ્યમંત્રીશ્રી સાથે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, આ સમૂહલગ્નના આયોજક પૂર્વ મંત્રી અને ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર, દાતાઓ અને મહાનુભાવો આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા.

                આ પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડી રહેલા નવયુગલોને સહજીવનના નવા પડાવની શુભેચ્છાઓ આપતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, સમૂહલગ્નમાં જોડાવાથી આર્થિક રીતે નબળા પરિવારોને મોટા ખર્ચાઓમાંથી મુક્‍તિ મળે છે. આર્થિક મુશ્કેલીઓનું નિવારણ કરતા સમૂહલગ્ન પરંપરા સમયની માંગ છે. 

               તેમણે આર્થિક રીતે સંપન્ન શ્રેષ્ઠીઓ, ધનિકો પોતાના સંતાનોના લગ્ન સમૂહલગ્ન સમારોહમાં કરાવતા થયા છે, જે તમામ વર્ગો માટે દિશાસૂચક છે એમ જણાવી આ પ્રકારની પહેલની સરાહના કરી હતી.

             વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મંત્રને અનુસરીને તેમજ વિકાસની રાજનીતિના ચીલે ચાલીને રાજ્ય સરકારે છેવાડાના માનવીને વિકાસની સમાન તકો મળે એ માટે સતત કાર્યશીલ છે એમ જણાવતાં સેચ્યુરેશન પોઈન્ટની સાથે વિકાસની અનેક પ્રજાલક્ષી યોજનાઓના લાભ રાજ્યના તમામ સમુદાયોને મળે એની નૈતિક જવાબદારી પણ રાજ્ય સરકાર વહન કરી રહી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. 

              આ અવસરે પૂર્વ આદિજાતિ રાજ્‍યમંત્રી અને ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે સમૂહ લગ્નમાં જોડાયેલા વરવધુઓને શુભકામનાઓ પાઠવતાં જણાવ્‍યું હતું કે, સંસ્‍થાએ સર્વ જાતિના દીકરા-દીકરીઓના લગ્નની જવાબદારી ઉઠાવી લોકોપયોગી સેવાકીય કાર્ય કર્યું છે. કોઈ જ્ઞાતિબાધ વિના થતાં સમુહલગ્ન સમારોહ સામાજિક સદ્દભાવને વધુ મજબૂત બનાવે છે. સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા આજદિન સુધી થયેલા સમૂહલગ્નોમાં ભાગ લેનારા કોઇપણ દંપતિઓના છૂટાછેડા થયા નથી એનો તેમણે હર્ષ વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા માતબર નાણા ફાળવણી થકી વિકાસના અનેકવિધ કામો થયા છે, અને તે દેખાઇ પણ આવે છે એમ શ્રી પાટકરે ઉમેર્યું હતું.

             સમૂહલગ્નમાં કન્યાદાન સ્વરૂપે આયોજક સંસ્થા દ્વારા પલંગ, કબાટ, ઝાંઝર, મંગળસૂત્ર, અનાજ કીટ સહિત ઘરવખરીની ઉપયોગી ૨૪ નાનીમોટી ચીજવસ્તુઓ પ્રત્યેક યુગલને અર્પણ કરવામાં આવી હતી. 

             આ વેળાએ આયોજકો, દાતાઓ, અગ્રણીઓ તેમજ ઉમરગામ અને સરીગામ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યોએ મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માન કર્યું હતું. લગ્નસ્થળે મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોનું પારંપરિક નૃત્ય અને સંગીતવાદ્યોની સુરાવલિથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

            આ પ્રસંગે સાંસદ શ્રી કે.સી. પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અલકાબેન શાહ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય શ્રી શંકરભાઈ વારલી, અગ્રણી સર્વ શ્રી દિલીપભાઈ ભંડારી, લાલાભાઈ નાયક, આમંત્રિત મહેમાનો,નવદંપતિઓ, સાજનમાજન ઉપસ્થિત રહ્યા હતા.

(5:41 pm IST)