ગુજરાત
News of Wednesday, 27th May 2020

સુરત સમરસ હોસ્ટેલમાંથી ૪૪૨ દર્દીઓ સ્વસ્થ થયા

દર્દીઓને રોબોટ દ્વારા ભોજન અને દવા : કોરોનાના દર્દીઓનો વાંચન અને યોગાભ્યાસની સાથે સાથે મ્યુઝિક થેરપી દ્વારા કરવામાં આવે છે સારવાર : અહેવાલ

અમદાવાદ,તા.૨૭ : સમગ્ર વિશ્વ જયારે કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ તમામ દર્દીઓની સારવારની જવાબદારી જેમના શિરે છે એવા તબીબો અને આરોગ્યકર્મીઓ યોદ્ધાની માફક લડી રહ્યા છે. આરોગ્યકર્મીઓની આ લડાઈ થકી જ સુરત શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો રિકવરીનો રેટ લગભગ ૬૯.૮ ટકા જેટલો છે. જેનો યશ સુરત જિલ્લા વહીવટીતંત્ર તથા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, તબીબો, ર્નસિંગ સ્ટાફ તેમજ શહેરના સફાઈકર્મીઓને જાય છે. જેઓ પોતાના પરિવારની પરવા કર્યા વિના દિવસરાત પોતાની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે. એવું નથી કે, કોરોનાથી સંક્રમિત થનાર દરેક વ્યક્તિમાં તેનાં લક્ષણો દેખાય જ. અનેક દર્દીઓ એવા પણ છે, જેમનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ હોવા છતાં કોઇ પણ પ્રકારનાં લક્ષણો જણાતા નથી. આવા દર્દીઓને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સમરસ હોસ્ટેલમાં બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવે છે.

         આ દર્દીઓને જયાં સુધી સાજા ન થાય ત્યાં સુધી ખાવાપીવા સહિત સ્વાસ્થ્યની તમામ તકેદારીઓ લેવામાં આવી રહી છે. આ સેન્ટરમાં અત્યાર સુધીમાં કુલ ૪૯૬ દર્દીને દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૪૨ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે. આ સેન્ટર વિશે વિગતો આપતા નોડલ ઓફિસર ડો. નૈમેષ શાહ જણાવે છે કે, ૧૮ ડોકટર, ૪૧ નર્સ, ઉપરાંત વોર્ડ બોય અને ૩૭ સફાઈ કર્મચારી સહિત કુલ ૧૦૬ કોરોના વોરિયર્સ દિવસરાત પોતાની ફરજ બજાવે છે. માર્ચ મહિનામાં સમરસ હોસ્ટેલનો સરકારી કોરન્ટાઈન સેન્ટર તરીકે ઉપયોગ કરવાથી શરૂઆત કરાઈ હતી. ત્યાર બાદ તા.૨૩મી એપ્રિલથી જે દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોય, પરંતુ કોઈ લક્ષણો જણાતા ન હોય, તેમને અહીં સારવાર આપવાની શરૂ કરાઈ.

(10:09 pm IST)