ગુજરાત
News of Monday, 27th May 2019

સુરત અગ્નિકાંડ : બિલ્ડીંગ દસ્તાવેજમાં ચોથો માળ ન દર્શાવ્યાનો ઘટસ્ફોટ

મનપાના એન્જિનીયર કે જવાબદાર અધિકારી દ્વારા પણ રૂબરૂ વિઝીટ કરાઇ ન હતી. બારોબાર અપ્રુવલ આપી દેવાઇ

સુરત અગ્નિકાંડ મામલે અગ્રસચિવ પુરીએ રાજય સરકારને પોતાનો તપાસ અહેવાલ સુપ્રત કર્યો હતો. સુરતના આગકાંડ અંગે તેમણે જણાવ્યું હતું કે, ગોઝારા તક્ષશિલા બિલ્ડીંગના દસ્તાવેજમાં ૪થો માળ દર્શાવેલો જ ન હતો એટલે કે, દસ્તાવેજમાં ત્રણ માળ જ દર્શાવેલા હતા. બિલ્ડીંગની મંજૂરી વખતે સુરત મનપાના એન્જિનીયર સહિતના જવાબદાર અધિકારી દ્વારા પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું ન હતું. વળી, ૪થા માળની હાઇટ પણ સાત ફુટ હતી અને તેમાં વેન્ટીલેશનની પૂરતી સુવિધા ન હતી. સરકારે સમગ્ર રિપોર્ટ સુપ્રત કરી દેવાયો છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ના બને તેની ખાસ તકેદારી અને કાળજી રખાશે તેવી હૈયાધારણ પણ તેમણે ઉચ્ચારી હતી.

  રિપોર્ટ મુજબ  સમગ્ર મામલામાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી તે સ્પષ્ટ છે. અગ્રસચિવ મુકેશ પુરીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારના આદેશ અનુસાર, સુરત આગકાંડ મામલે દુર્ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લઇ સમગ્ર મામલે તપાસ રિપોર્ટ તૈયાર કરાયો છે. બિલ્ડીંગના પાછળના ભાગે એ.સીના આઉટપુટમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હતી અને ફલેક્સ બેનરોને લઇ આગ ૪થા માળ સુધી ઝડપથી પ્રસરી ગઇ હતી.    

   તપાસમાં બનાવ વખતે ફાયરબ્રિગેડની ટીમ મોડી પહોંચી હોવાની વાત સંપૂર્ણપણે સાચી નહી હોવાનું સામે આવ્યું હતું. બિલ્ડીંગની પરવાનગી ઇમ્પેક્ટ ફી ભરીને મેળવવામાં આવી હતી. બિલ્ડીંગને જયારે ઇમ્પેક્ટ મુજબ કાયદેસર કરવાની અરજી કરાઇ ત્યારે ત્રણ માળ દર્શાવાયા હતા, ઉપરના ભાગે ડોમ જેવું સ્ટ્રકચર કે જયાં કલાસીસ ચાલી રહ્યા હતા.તે અરજીમાં દર્શાવાયું ન હતું. જે તે સમયે સુરત મનપાના એન્જિનીયર કે જવાબદાર અધિકારી દ્વારા પણ રૂબરૂ વિઝીટ કરાઇ ન હતી.અને બારોબાર અપ્રુવલ આપી દેવાઇ હતી.

  તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સુરત જેવી ઘટના ફરી ના બને તે માટે સરકારે ખાસ પગલાં લીધા છે અને રાજયભરમાં ફાયરસેફ્ટી વિનાના કે જોખમી ટયુશન કલાસીસ, ડોમ, શેડ જેવા સ્ટ્રકચર સહિતના સ્થળોએ તપાસ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજયભરમાં ૧૧,૫૨૦થી વધુ મિલ્કતોની તપાસ કરાઇ છે અને જયાં જરૂર હોય ત્યાં સીલ મારવા સહિતની તમામ કાર્યવાહી થઇ રહી છે. સુરતની દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત ૧૫ જણાં હાલ સારવાર હેઠળ છે.

(11:00 pm IST)