ગુજરાત
News of Monday, 27th May 2019

અમદાવાદમાં ઓરેન્જ એલર્ટઃ આખુ સપ્તાહ ધોમધખતો તાપ પડશે

અમદાવાદ :આગામી 3 દિવસમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધુ રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં ફરીથી કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે. 43 ડિગ્રી પારો લોકોને પરસેવે રેબઝેબ કરી રહ્ય છે. ત્યારે રવિવારનો દિવસ કાઢવો બહુ જ આકરો બની રહ્યો હતો. સાંજ બાદ વાતાવરણમાં બફારો વધી ગયો હતો. આ ગરમી અસહ્ય બની રહેતા લોકો અકળાયા હતા.

હજી એક અઠવાડિયા રહેશે ગરમી

એક અઠવાડિયાથી ગુજરાતમાં ગરમીનો પારો પ્રતિદિન વધી રહ્યો છે. રાજ્યોમાં મોટાભાગના શહેરોનું તાપમાન 43 ડિગ્રીએ પહોંચી ગયું છે, જેને પગલે જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે.  રાજ્યમાં બપોરના 2 વાગ્યા બાદ ગરમીમાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે અને સાંજના સમયે બફારાનું પ્રમાણ વધુ જોવા મળશે. સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી સાથે સૌથી વધારે ગરમી નોંધાઇ હતી. જ્યારે રાજકોટ 42 ડિગ્રીમાં શેકાયું હતું.

અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

તો બીજી તરફ અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચતા ઓરેન્જ એલર્ટની આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદમાં આગામી એક સપ્તાહ કાઢવો આકરો બની રહેશે. કારણ કે, 1 જુન સુધી ગરમીનો પારો 42 થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે.

(5:23 pm IST)