ગુજરાત
News of Monday, 27th May 2019

દુલ્હાને બદલે તેની બહેન દુલ્હન સાથે ફેરા લઇને ભાભી ઘરે લઇ આવે છે

અમદાવાદ તા. ર૭ : ગુજરાતના આદિવાસીઓનાં કેટલાંક ગામોમાં લગ્નની અનોખી પરંપરા છે. અહીં લગ્નમાં દુલ્હો પરણવાનો હોય ત્યારે તે જાન લઇને દુલ્હનને ત્યાં જતો નથી. એને બદલે દુલ્હાની બહેન જાય છે અને દુલ્હો ઘરે બેઠો રાહ જુએ છે. દુલ્હાની કુંવારી બહેન દુલ્હાએ કરવાની તમામ રસમો કરે છે. છોટા ઉદેપુર પાસેનાં ત્રણ ગામ છે જયાં આ પરંપરા છે. અહીં વરરાજાને જ જાનમાં જવાની અનુમતિ નથી હોતી જો તેને સગી બહેન ન હોય તો તેના પરિવારની બીજી કોઇ કુંવારી કન્યા દુલ્હા તરફથી જાય છે. હા, દુલ્હાને તેના ઘરમાં શેરવાની પહેરાવીને સજાવવામાં આવે છે. હાથમાં તલવાર અને માથે સાફો બાંધીને તે ઘરે રાહ જુએ છે. જયારે વરની બહેન ભાઇના સાસરે જાય છે, લગ્નની વિધિ કરે છે. સુરખેડા, સાનદા અને અંબલ નામનાં ત્રણ ગામમાં આ પરંપરા છે. સુરખેડા ગામના મુખિયા, રામસિંહ રાઠવાનું કહેવું છે કે હાલમાં આવી પરંપરાનું પાલન માત્ર ત્રણ ગામોમાં જ થાય છ. એવું મનાય છે કે કોઇ એનું પાલન ન કરે તો કંઇક ને કંઇક અશુભ જરૂર થાય છે. અનેક વાર કેટલાક લોકોએ આ પરંપરા તોડવાની કોશિષ કરી છે, પણ એમાં મોટા ભાગે તેમનાં લગ્ન તુટી જાય છે અને વૈવાહિક જીવન સુખદ નથી રહેતું.

(9:49 am IST)