ગુજરાત
News of Tuesday, 27th April 2021

રાજપીપળા સહિત જિલ્લામાં ડોર ટુ ડોર સર્વેલન્સમાં સાથ સહકાર આપવા D.D.O તરફથી કરાઇ અપીલ

નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના કેસોનું વહેલામાં વહેલી તકે નિદાન થાય તથા સારવાર મળી રહે તે માટે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સમાં ૭૦૦ જેટલી ટીમો કાર્યરત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ ચાલી રહેલી નોવેલ કોરોના વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવા તથા તે માટે અટકાયતી પગલાઓ ભરવા બાબતે જાગૃત્તિ  અભિયાન શરૂ કરાયેલ છે, જે અંતર્ગત નર્મદા જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રિત કરી શકાય તે માટે આરોગ્ય વિભાગ તેમજ અન્ય વિભાગો દ્વારા જરૂરી વ્યવસ્થા તથા કામગીરી કરવામાં આવી રહેલ છે.
નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના કેસોનું વહેલામાં વહેલી તકે નિદાન થાય તથા સારવાર મળી રહે તે માટે ગ્રામ્ય કક્ષાએ આશા બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, શિક્ષકગણ તથા સખી મંડળના બહેનો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરવાની કામગીરી ૭૦૦ જેટલી ટીમોને તા.૨૪ મી એપ્રિલ થી સોપવામાં આવેલ છે.આ ટીમો દ્વારા સર્વે  Pulse Oximeter, Thermal Gun  નો ઉપયોગ થનાર છે. આ સર્વે દરમિયાન  જો SPO2, 95 ટકા કરતા ઓછું આવે તો તેઓને જરૂરી દવાની કીટ આપી તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રોએ  તાત્કાલિક  ધોરણે સારવાર અર્થે મોકલવાની  કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ બાબતે અત્રેથી લાયઝન અધિકારીશ્રીઓની સુપરવિઝન માટે નિંમણૂક કરાયેલ છે.
નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા માટે આપ સર્વે  ગ્રામજનોના સહકારની જરૂર હોય જેથી આપના ઘરે મુલાકાત લેનાર કર્મચારીઓને પૂરતો સાથ સહકાર આપવા જિલ્લા વિકાસ અધિકારી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

(10:43 pm IST)