ગુજરાત
News of Tuesday, 27th April 2021

મહેસાણામાં ઓક્સિજનના અભાવે યુવકનું મોત નિપજ્યું

સરપંચે શાળામાં જ ઓક્સિજન બેડ તૈયાર કર્યા : આગામી દિવસોમાં ગામમાંથી કોઈને કોરોનાની સારવાર વેળા ઓક્સિજન અછતથી કોઈનો જીવ જોખમમાં ના મુકાય

મહેસાણા, તા. ૨૭ : મહેસાણા જિલ્લામાં સતત કોરોના પોઝિટિવ કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે હાલમાં હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. અને હાલમાં મહેસાણા જિલ્લામાં અનેક જગ્યાએ ઓક્સિજનની કમી વર્તાઈ રહી છે. બીજી તરફ હાલમાં બેડ પણ મળી રહ્યા નથી અને હાલમાં ગ્રામ્ય કક્ષાએ વધતા કોરોના કેસના દર્દીઓને સ્થાનિક કક્ષાએ જ ઓક્સિજન બેડની સુવિધા મળી રહે તે માટે મહેસાણાના તરેટી ગામની શાળામાં જ હોસ્પિટલ જેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં સ્કૂલો બંધ છે અને સ્કૂલોમાં આપવામાં આવતું શિક્ષણ કાર્ય પણ હાલમાં બંધ છે.

તરેટી ગ્રામ પંચાયત દ્વારા ગામની જ પ્રાથમિક શાળામાં હોસ્પિટલ જેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. ગામની પ્રાથમિક શાળામાં પાંચ ઓક્સિજનવાળા બેડ તૈયાર કર્યા છે.  જેથી આગામી દિવસોમાં જો ગામમાંથી કોઈને કોરોનાની સારવાર દરમ્યાન ઓક્સિજનની અછતથી કોઈનો જીવ જોખમમાં ના મુકાય.

એક તરફ શહેરોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓથી ભરાઇ ગયા છે. કોરોનાના દર્દીઓને બેડ પણ મળી રહ્યો નથી. જેને કારણે હોસ્પિટલની બહાર દર્દીઓની લાઈનો લાગે છે. જેનો ઉપાય શોધતા તરેટી ગ્રામ પંચાયતના સરપંચ પીનલબેન પટેલ અને ગામના યુવાનોએ ગામની શાળાના ઓરડામાં જ પાંચ બેડ તૈયાર કરી દીધા.

જોકે, બેડ તો તૈયાર થયા હતા પરંતુ, ઓક્સિજન ફલો મીટરની અછત સર્જાતા મળતા નહોતા. જે ગમે તેમ કરીને મેળવીને હાલમાં બે ઓક્સીજન બે સિલિન્ડર લગાવવામાં આવ્યા છે. જયારે બીજા ૩ ઓક્સિજન સિલિન્ડર ૨૪ કલાકમાં લગાવીને કુલ ૫ ઓક્સિજનવાળા બેડ અહીં  તૈયાર કરવામાં આવશે. તરેટી ગ્રામ પંચાયત અને ગામના યુવાનોને સ્થાનિક કક્ષાએ જ ઓક્સિજન બેડ ઉભા કરવાનો વિચાર ત્યારે આવ્યો કે જયારે ગામનો એક યુવાન ઓક્સિજનના અભાવે મૃત્યુ પામ્યો. સરપંચ અને યુવાનોએ નિર્ધાર કર્યો કે, જો ગામમાં જ ઓક્સિજન બેડ તૈયાર કરી દેવાય તો શહેર સુધી ઓક્સિજનવાળા બેડ શોધવા જવું ના પડે. અને કોઈનો જીવ બચી જાય. જેથી ગામની શાળામાં જ એક ઓરડામાં હાલમાં પાંચ બેડની સુવિધા ઉભી કરી દેવાઇ છે.

(9:53 pm IST)