મેઘરજ તાલુકાના નવી ઇસરી ગામે રાત્રીના સુમારે વૃદ્ધાને તીક્ષ્ણ હથિયારના ઘા જીકી મોતનેઘાટ ઉતારનાર નરાધમને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી
મેઘરજ:તાલુકાના નવીઇસરી ગામે ૬૫ વર્ષીય વૃદ્ધ મહિલા મણીબેન કબાભાઇ ડામોર શુક્રવારે રાત્રે જમી પરવારીને પોતાના ઘરના આંગણામાં પોતાના પૌત્ર સાથે એક ખાટલામાં સુતા હતા તેવામાં મોડી રાત્રે કોઇ અજાણ્યો શખ્સ આવી મણીબેનના માથાના ભાગે તીક્ષ્ણ હથીયારનો ઘા મારી ફરાર થઇ ગયો હતો. મણિબેનને માથામાં તિક્ષણ હથિયારનો ઘા વાગતાં બેભાન હાલતમાં ખાટલામાંથી નીચે પડયા હતાં તેવામાં તેમનો પૌત્ર પાણી પીવા માટે ઉઠી તેની બાજુમાં સુઇ રહેલા બેનને ઉઠાડતાં બેને દાદી મણીબેનને જમીન ઉપર પડેલાં જોઇ ઘરના સભ્યોને ઉઠાડયા હતા.
ઘરના સભ્યોએ આવીને જોતાં મણીબેનને માથાના ભાગેથી લોહી વહી રહ્યું હતું જેથી મણીબેનને ઇસરી સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા ત્યાં સારવાર કરાવી પોતાના ઘરે લાવી બીજા દિવસે શામળાજી ખાતે હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
હોસ્પિટલના તબીબે વધુ સારવાર માટે મોડાસા કે હિંમતનગર રીફર કરવાની સલાહ આપી હતી. પરંતુ મણિબેનનો પુત્રએ મોડાસા સારવાર કરાવી પોતાના ઘરે લઇ આવ્યો હતો જયાં રવિવારે મણિબેનનું મોત નીપજતાં મૃતકના પુત્ર શાંતિલાલ કબાભાઇ ડામોરે ઇસરી પોલીસ મથકે પોતાની માતાને કોઇ અજાણ્યા શખ્સે તિક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતાર્યાની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ પંચાલે ઘટના સ્થળનું પંચનામું કરી આગળની કાર્યવાહી કરી હતી.