ગુજરાત
News of Tuesday, 27th April 2021

સુરતની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની તંગી દૂર કરવા માટે ઓક્સિજનના ઉપયોગ ઉપર ૧૦ ટકા કાપ મુકાયોઃ કરકસરપૂર્વક ઉપયોગ કરવા કલેકટરનો આદેશ

સુરત: કોરોના સંકટની વચ્ચે દેશના અનેક રાજ્યોમાં ઓક્સિનની અછત સામે દર્દીઓ ઝઝૂમી રહ્યાં છે. કેટલાક દિવસોથી ગુજરાતની હાલત પણ એવી જ છે. ગુજરાતમાં ઓક્સિજનની વપરાશ વધીને 1000 ટન સુધી પહોંચી ગઈ છે. જે એક મહિનામાં 13 ગણી કહી શકાય. સુરતમાં પણ હવે ગણતરીના કલાકો સુધી ચાલી શકે તેટલો જ ઓક્સિજન છે. તબીબોનું કહેવું છે કે, 4000 ગંભીર દર્દી હાલ હોસ્પિટલમાં ભરતી છે. ઓક્સિજન ન મળવાથી તેમની હાલત બગડી શકે છે. આવામાં તંત્ર દ્વારા આકરા પગલા લેવામાં આવી રહ્યાં છે.

ગુજરાતમાં માત્ર એક મહિના દરમિયાન ઓક્સિજનની જરૂરિયાત 13 ગણા વધી ગઈ છે. જ્યાં એક મહિના પહેલા માત્ર 75 ટન ઓક્સિજનનો વપરાશ હતો, ત્યાં હવે તે 1000 ટન થઈ ગયો છે. કેન્દ્ર સરકારે ગુજરાતને ઈમરજન્સી ઉપયોગ માટે 1000 ટન ઓક્સિજન આપવાનું આશ્વાસન આપ્યું છે. ત્યારે સુરતમાં ઓક્સિજનની ભારે અછત છે. સુરતમાં પ્રત્યેક ખાનગી હોસ્પિટલમાં 20 ટન ઓક્સિજનની માંગ છે. જેની સામે હાલ માત્ર 7 ટન જ ઓક્સિજન આપવામાં આવે છે. આ ઓક્સિજન હવે ક્યાંથી લાવવો તે અંગે સવાલ ઉભો થયો છે.

તો બીજી તરફ, સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સામે તંત્ર દ્વારા મોટો નિર્ણય કરાયો છે. આજથી સિવિલમાં ઓક્સિજનના ઉપયોગ પર 10 ટકા કાપ મૂકવામાં આવ્યો છે. કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે કે, ઓક્સિજન કાપ માટે કરકસર કરવામાં આવે. વહીવટમાં ગોથું ખાધા પછી હવે તંત્રના હવાતિયા સામે આવ્યા છે. ઓક્સિજનના કરકસર વાપરવા પર ધ્યાન રાખવા કમિટીની રચના કરવામાં આવી છે.

તો બીજી તરફ, ખાનગીમાંથી સરકારી હોસ્પિટલમાં દર્દીનો ઘસારો વધી રહ્યો છે. સુરતમાં ઓક્સિજનની તંગી દેખાઈ રહી છે. સુરતની ખાનગી હોસ્પિટલનો ઓક્સિજનનો જથ્થો પૂરો થવાની અણીએ છે. 108 ને રોજ દર્દીઓના 50 કોલ મળી રહ્યા છે. મોટાભાગના કેસ કોરોના દર્દીની હાલત ગંભીરના છે.

 સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ પર ભારણ વધી રહ્યું છે. બંને હોસ્પિટલોમાં વેન્ટીલેટરવાળા દર્દીને દાખલ નહિ કરવાનો નિર્ણય કરાયો છે. સિવિલમાં હાલ 1518 દર્દી, 350 વેન્ટીલેટર પર, 690 ઓક્સિજન પર છે.

(5:20 pm IST)