ગુજરાત
News of Tuesday, 27th April 2021

તંત્રની ગંભીર બેદરકારી :થલતેજ સ્મશાનગૃહ બહાર PPE કિટનો ઢગલો : કોરોના સંક્રમણનો ખતરો વધ્યો

અંતિમ સંસ્કાર બાદ લોકો પીપીઈ કિટ ત્યાં રઝળતી મૂકીને જતા રહેતા ચિંતાજનક સ્થિતિ

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાઈરસની બીજી લહેરનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક બની છે. અમદાવાદમાં પ્રતિદિન મોતનો આંકડો રેકોર્ડ તોડી રહ્યો છે. એવામાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં થલતેજના સ્મશાનગૃહની બહાર PPE કિટના ઢગલા જોવા મળી રહ્યાં છે, જેના પરિણામો કોરોના સંક્રમણનો ખતરો વધી શકે છે

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હાલ શહેરમાં કોરોનાના કારણે મૃત્યુઆંક વધ્યો છે, ત્યારે શબ વાહિનીઓ દ્વારા અનેક કોરોના સંક્રમિત દર્દીઓની ડેડબોડી સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે આવી છે. આ દરમિયાન મૃતકના કેટલાક સ્વજનો પીપીઈ કિટ પહેરીને અંદર જતા હોય છે, જ્યારે કેટલાક સ્વજનો બહાર રાહ જોતા હોય છે. જો કે અંતિમ સંસ્કાર બાદ લોકો પીપીઈ કિટ ત્યાં રઝળતી મૂકીને જતા રહેતા હોય છે.

હાલ છેલ્લા કેટલાક દિવસોથી સ્મશાનમાં પણ અંતિમ સંસ્કાર માટે વેઈટિંગ ચાલી રહ્યું છે. જેના પરિણામે મૃતકના સ્વજનો સ્મશાનગૃહની બહાર જ રાહ જોતા હોય છે. એવામાં આવી પીપીઈ કિટ બહાર રઝળતી હોવાના કારણે કોરોના સંક્રમણ વધી શકે છે. આથી વહીવટી તંત્ર દ્વારા આ પીપીઈ કિટનો સત્વરે યોગ્ય નિકાલ કરે તે જરૂરી છે

કોવિડ ગાઈડલાઈન્સ અને બાયો મેડિકલ વેસ્ટ માટે બનેલા નિયમો અંતર્ગત આવા કચરાનો યોગ્ય નિકાલ કરવાનો હોય છે. આ માટે લાલ, કાળા, પીળા અને સફેદ રંગના ડસ્ટબિન રાખવામાં આવે છે. પીપીઈ કિટનો ઉપયોગ કર્યાં બાદ તેને હાઈપોક્લોરાઈટના મિશ્રણમાં ડૂબાડ્યા બાદ તેને બેગમાં પેક કરવામાં આવે છે. આ સિવાય જે મેડિકલ વેસ્ટ નીકળે, તેને એ પીળા બેગમાં એકત્ર કરીને બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલવાનો રહે છે.

(4:54 pm IST)