ગુજરાત
News of Tuesday, 27th April 2021

મજૂરીના પૈસા આપવા મામલે ઠપકો આપનારા પિતાને ભરઊંઘમાં શર્ટની બાંયથી ટૂંપો આપી પુત્રએ કરી હત્યા

પિતાનું મૃત્યુ થયું કે નહીં, તે પણ અનિલે તપાસ્યુ અને પિતાના હાથ પગ ન હાલતા પુત્ર કામ થઈ ગયું હોવાનું માની સુઈ ગયો: અમદાવાદના મેઘાણીનગરની ઘટના

અમદાવાદ : મજૂરીના પૈસા આપવા મામલે ઠપકો આપનારા પિતાની પુત્રના હાથે હત્યા કરી દેવાનો મામલો મેઘાણીનગર પોલીસમાં નોંધાયો છે. સંબંધોની હત્યાના આ બનાવમાં પુત્રે અદાવત રાખી 26 એપ્રિલ રવિવારની રાત્રે જ ભરઊંઘમાં સૂઇ રહેલા પિતાને શર્ટની બાંયથી ટૂંપો આપી હત્યા નીપજાવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ મેઘાણીનગર પોલીસ કન્ટ્રોલ રુમમાં તેમના વિસ્તારમાં હત્યા થઇ હોવાની કોલ આવી હતી. જેને પગલે ASI દિગ્વિજય સિંહ પોલીસ ટીમ સાથે શાંતિ સાગર છાપરા વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ફોન કરનાર અજય પટણીની તપાસ કરી હતી.

પોલીસ પુછપરછમાં અજયે જણાવ્યું હતું કે તેમના પરિવારમાં માતા-પિતા ઉપરાંત 8 ભાઇ-બહેન છે. તેના પિતા લક્ષ્મણ પટણીની રાત્રે હત્યા કરી દેવાઇ. અજયે વધુમાં જણાવ્યું કે એક દિવસ પહેલાં 25 એપ્રિલે તેના પિતાએ નાના ભાઇ અનિલને ઠપકો આપ્યો હતો કે તું મજૂરીના પૈસા કેમ ઘરમાં આપતો નથી. આ વાતને પગલે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જો કે પરિવારના અન્ય સભ્યોએ તેમને શાંત પાડ્યા હતા અને રાત્રે બધા સૂઇ ગયા હતા.

અજયે પોલીસને જણાવ્યું કે રાત્રે બીજા રુમમાં સૂઇ રહેલં તેમના માતા પિતાને પાણી આપવા ગયા હતા. તેમને વાંવાર જગાડતા હલનચલન કર્યું નહીં, તેથી ગભરાયેલી માતાએ બુમાબૂમ કરી દીધી હતી. પરિણાને તેની સાથે બધા જાગી ગયા હતા અને જોયુ કે તેમના પિતા નિઃષ્પ્રાણ પડયા છે. તેથી પોલીસને જાણ કરી હતી. પોસ્ટ માર્ટમમાં પછી ખુલાસો થયો કે લક્ષ્મણ ભાઇની ગળે ટૂંપો આપી હત્યા કરાઇ છે.

પોલીસે પરિવારજનોની પૂછપરછ કરતા મૃતકના પુત્ર અનિલ પટણીએ ગુનો કબુલયો હતો. તેને પોલીસને જણાવ્યું કે મજૂરીના પૈસા ઘરમાં આપવા બાબતે તેના પિતાએ બોલાચાલી કરી હતી અને પરિવારના સભ્યોએ આ મામલો શાંત પાડ્યો હતો. બાદમાં પરિવારજનો સુઈ જતા આ બાબતની અદાવત રાખી અનિલ રાત્રે ઉઠી પિતા જે ખાટલા માં સુતા હતા ત્યાં તેમના માથા પાસે ઉભા રહી આવેશમાં આવી શર્ટની બાંય થી ગળામાં તેની તરફ પ્રેશર કરી થોડી વાર પકડી રાખ્યો હતો.

ઘટનાને અંજામ આપ્યા બાદ પિતાનું મૃત્યુ થયું કે નહીં, તે પણ અનિલે તપાસ્યુ અને પિતાના હાથ પગ ન હાલતા પુત્ર કામ થઈ ગયું હોવાનું માની સુઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે.

(4:53 pm IST)